ગુજરાતના આ વિસ્તારોમાં હવામાન વિભાગે જાહેર કર્યુ ઓરેન્જ એલર્ટ, રેઇન કોટ છત્રી લઈને જ બહાર નીકળજો

Weather

ગુજરાતમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યામાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ છે. ત્યારે હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે.

હાલ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લાઓના ઘરોમાં પાણી ભરાયા હતા. ઉલ્લેખનિય છે કે ગુજરાત પહેલાથી જ પૂરની સમસ્યાથી પીડિત છે. ગુજરાતના ઘણા જિલ્લાઓ પાણીમાં ગરકાવ છે. આ સ્થિતિમાં ભારે વરસાદના કારણે ફરી એક વખત જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે મંગળવાર સુધી ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહીસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા તથા અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં 21 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે, મહીસાગર, છોટા ઉદેપુર,અમરેલી, ભાવનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, , નર્મદા, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં પણ વિરામ બાદ ફરી મેધરાજાની શહેરમાં પધરામણી થઇ છે. આજે બોપલ, ઘુમા, શહેરના સેટેલાઈટ, જોધપુર , પ્રહલાદનગરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાં હતા. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સાણંદથી અમદાવાદ પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે જેથી સાણંદ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published.