ભારત દેશ ધાર્મિક દેશ છે. ભારતને ચમત્કારોનો દેશ માનવામાં આવે છે અને અવારનવાર આપણે અજીબો ગરીબ ચમત્કારના કિસ્સાઓ વિશે સાંભળતા હોઈએ છીએ. મંદિરોમાં કોઈને કોઈ ચમત્કાર થતાં હોય છે અને લોકો તેને ભગવાનના આશીર્વાદ માને છે. ત્યારે રવિવારના રોજ મહીસાગર જિલ્લામાં પણ આવી જ એક ચમત્કારી ઘટના બની હતી, જેને સૌને ચોંકાવી દીધા હતા.
મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટના બની હતી. આ ઘટના બાદ થોડીવારમાં જ મંદિરમાં મગર ઘુસી આવ્યો હતો જેને કારણે અહીંના સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થયા હતા. મગરને જોવા માટે મંદિરમાં સ્થાનિક લોકોની ભીડ ઉમટી આવી હતી. લોકો એવું માનવા લાગ્યા કે દાનપેટીની ચોરી થતાં સ્વયં માતા મગરનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે ખોડીયાર માતાના મંદિરમાં માતાની સાથે સાથે મગરને પણ સ્થાન આપવામાં આવે છે. ત્યારે માતાજીના મંદિરમાં ચોરી થતા મગર આવતા લોકો ખોડીયાર માતા સ્વયં મગરનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે તેવું માનવા લાગ્યા. મગરને જોવા માટે લોકો અહી ઉમટી પડ્યા હતા. ઉપરાંત ભક્તો મગરનું કંકુથી સ્વાગત કરી તેને હાર ચડાવી દર્શન કરી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ મંદિરમાં કેટલાક અજાણયા ઈસમોએ આવીને ચોરી કરી હતી. આ ચોર મંદિરની દાન પેટી લઈ ગયા હતા. આ ઘટનાના ગણતરીના કલાકો બાદ જ મંદિરની અંદર મગર ઘુસી ગયો હતો. મંદિરમાં મગરને જોઈને લોકો એવું માનવા લાગ્યા કે સ્વયં માં ખોડીયાર મગરનું સ્વરૂપ ધારણ કરીને મંદિરની રક્ષા કરવા માટે આવ્યા છે. જો કે એ બાબતની હજુ સુધી જાણ થઈ નથી કે દાનપેટી કોણે ચોરી અને કંઈ રીતે ચોરી થઈ.