દોસ્તો એક પુસ્તક છે જેનું શીર્ષક છે, 12મી ફેલ, હાર્યા તે છે જે લડ્યા નથી. દોસ્તો તમને જણાવી દઈએ કે આ પુસ્તક એક વાસ્તવિક વાર્તા પર છે જે મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી મનોજ શર્મા પર લખાયેલુ છે. આ પુસ્તકના લેખક મનોજના મિત્ર અનુરાગ પાઠક છે. અનુરાગે પોતાના મિત્રના જીવન આધારિત પુસ્તક લખ્યું છે જે ખુબ જ પ્રેરણાદાયી છે.
મનોજ શર્મા 2005ની બેચના મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ મુંબઈમાં પશ્ચિમના એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનો જન્મ મધ્ય પ્રદેશના મુરૈનામાં થયો હતો. મનોજ શર્માના મિત્રએ લખેલા આ પુસ્તકમાં તેમના વિદ્યાર્થી જીવન વિશેની હકીકતો અને જ્યાંથી તેમણે આઈપીએસની મુસાફરી કરી છે તેના વિષે ઉલ્લેખ કર્યો છે.
વાસ્તવમાં, મનોજ શર્મા ધોરણ 9, 10 અને 11માં થર્ડ ડિગ્રીમાં પાસ થયા હતા. આ પુસ્તકમાં મનોજના જીવન વિશે જણાવતા અનુરાગ લખે છે કે તે 11 ધોરણ સુધી કોપી કરીને પાસ થયા હતા. જ્યારે ધોરણ 12માં કોપી ન થવાને કારણે તેઓ નાપાસ થયા. કારણ કે સ્થાનિક એસડીએમના કડક નિર્ણયના કારણે તેઓ નકલ કરી શક્યા નહીં.
મનોજ શર્મા જણાવે છે કે, જ્યારે મારી સાથે આ બનાવ બન્યો ત્યારે એસડીએમના આ નિર્ણયની મારા પર ઊંડી અસર પડી હતી. મને લાગ્યું કે આટલો શક્તિશાળી માણસ કોણ છે. તે જ સમયે મેં નક્કી કરી લીધું કે હું એસડીએમ બનીશ. તેવું મનોજ શર્માના જીવનની કહાની વિશે જણાવતા લેખકે પુસ્તકમાં લખ્યું છે.
મનોજ શર્મા ધોરણ 12માં નિષ્ફળ થયા બાદ પોતાના ભાઈ સાથે ગુજરાન ચલાવવા માટે ટેમ્પો ચલાવતા હતા. એકવાર ટેમ્પો પકડાઈ ગયા પછી તેને લાગ્યું કે એસડીએમ ટેમ્પો છોડાવી શકે છે. હું ટેમ્પો છોડાવવા માટે એસડીએમ પાસે ગયો, પરંતુ મેં તેમની સાથે તેઓ એસડીએમ કઈ રીતે બન્યા તેના વિશે વાત કરી. તે સમયે એસડીએમની વાત સાંભળ્યા પછી મેં નક્કી કર્યું કે હવે મારે પણ આવા જ અધિકારી બનવું છે.
મનોજ શર્માએ શરૂઆતમાં પટાવાળાની નોકરી પણ કરી: મનોજ જણાવે છે કે, હું ઘરેથી બેગ લઈને ગ્વાલિયર આવ્યો. મારી પાસે પૈસા નહોતા એટલે હું ભિખારીઓ પાસે સૂતો. મારી પાસે ખાવા માટે પણ કંઈ નહોતું. મનોજ જણાવે છે કે નસીબે સાથ ન આપ્યો જેથી મારે પટાવાળા તરીકે પણ નોકરી કરવી પડે. તેઓ જણાવે છે કે મેં લાઇબ્રેરીમાં પણ નોકરી કરી. અહીં મેં ગોર્કી અને અબ્રાહમ લિંકનના પુસ્તકો વાંચ્યા. તેમના સંઘર્ષ વિશે જાણ્યા પછી મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી.
ત્યારબાદ પરીક્ષાની તૈયારી કરવા માટે મનોજ દિલ્હી આવ્યા. અહીં તે લોકોના ઘરના કૂતરાંઓને ચાલવા લઈ જવાનું કામ કરતા હતા. આ દરમિયાન તેમને પ્રતિ કૂતરાને રાખવાના 400 રૂપિયા મળતા. આ દરમ્યાન તેમને એક શિક્ષકે ફી લીધા વગર ટ્યુશન આપવાનું ચાલુ કર્યું. મનોજ જણાવે છે કે, મેં સખ્ત મહેનતથી અભ્યાસ શરૂ કર્યો અને ચોથા પ્રયાસમાં આઈપીએસ બન્યો.