આઈઆઈટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવનાર બનારસના રહેવાસી વિશાલ સિંહે કામ કરીને પોતાનું ઘર ભરવાને બદલે ગરીબ આદિવાસીઓ અને ગ્રામજનોનું જીવન સુધારવાનું પસંદ કર્યું હતું. આજે વિશાલે 35 હજારથી વધુ ખેડૂતોનું જીવન સુધાર્યું છે.
એક સાધારણ પરિવારમાં જન્મેલા વિશાલના દાદા અને પછી પિતા બધા ખેડૂત હતા. ખેતી સિવાય તેમની પાસે કમાણીનું બીજું કોઈ સાધન નહોતું. તેમ છતાં વિશાલના પિતાએ તેને ભણાવવામાં કોઈ કસર છોડી ન હતી. વિશાલ IIT માં ભણવા માંગતો હતો. તેણે બારમા ધોરણ દરમિયાન બે વખત IIT માં જવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. જો કે બાદમાં તેણે આઈઆઈટીની જ કોઈ બીજી કોલેજમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો.
તેણે ગ્રેજ્યુએશનના પહેલા વર્ષથી જ ગેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. વિશાલને એટલો સારો રેન્ક મળ્યો કે તેને આઈઆઈટી ખડગપુરમાં પ્રવેશ મળ્યો. આ દરમિયાન વિશાલે ફૂડ પ્રોસેસિંગનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું.
અભ્યાસ દરમિયાન વિશાલે ખેતી સાથે જોડાયેલી વાતો શીખી હતી. જેનાથી તેમને ખાતરી થઈ ગઈ કે જો ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ પણ તેમની ખેતીમાંથી સારા પૈસા કમાઈ શકે છે. અભ્યાસ દરમિયાન તેઓ ખડગપુરની આસપાસના આદિવાસી વિસ્તારોની ઘણીવાર મુલાકાત લેતા.
વર્ષ 2014 માં તેમને ઓડિશાની એક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવવાની તક મળી. અહીં તેમને આદિવાસીઓની મદદ કરવાની તક મળી. કૉલેજ પછી તે તેમને ખેતીની તાલીમ આપવા લાગ્યો. આ કોલેજ દ્વારા મળેલા NSDCના એક પ્રોજેક્ટમાં વિશાલને કેટલાક પછાત ગામોને સ્માર્ટ વિલેજમાં પરિવર્તિત કરવાના હતા. આ દરમિયાન વિશાલને કોલેજ કરતાં ગામડાઓમાં વધુ સમય વિતાવવાની તક મળી હતી.
ટ્રેનિંગ દરમિયાન તેમણે તળાવો ખોદાવ્યા, સૌર સંચાલિત પ્લાન્ટ સ્થાપિત કર્યા, ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપ્યા અને સંકલિત ખેતીના મોડેલો પર કામ કરવાનું શરૂ કર્યું. તેણે દરેક આદિવાસી અને ગરીબ પરિવારને મળીને ખેતીની માહિતી આપવાનું શરૂ કર્યું. વિશાલને તેમની મહેનત ફળી, જે આદિવાસીઓને બે ટંકની રોટલી મળવી પણ મુશ્કેલ હતી તેઓ પણ ખેતીમાંથી સારી કમાણી કરવા લાગ્યા.
વિશાલે 2016 માં નોકરી છોડી દીધી. તે પછી તેમણે તેમના બે દોસ્તો સાથે મળીને ગ્રામ સમૃદ્ધિ નામના ટ્રસ્ટની સ્થાપના કરી. તેમાં તેમણે આહાર મંડળ નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને લોકોને જાણકારી દેવા લાગ્યો. ત્યારબાદ તેમને ONGC તરફથી 10 ગામોને સ્માર્ટ ગામ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો. માત્ર એક વર્ષની મહેનત બાદ તેમણે 10 ગામોને આત્મનિર્ભર બનાવ્યા. આમ વિશાલની યાત્રા ચાલુ રહી. આજે વિશાલ લગભગ 35,000 ખેડૂતો સાથે જોડાઈને તેઓનું જીવન સુધારી રહ્યો છે.
સાથે જ દેશભરના વિદ્યાર્થીઓને પણ ખેતી શીખવે છે. એટલું જ નહીં આ ગરીબ પરિવારોના બાળકોને અભ્યાસ અંગે જાગૃતિ લાવીને ભણાવી રહ્યા છે. તેમની સાથે હાલમાં 33 લોકો અને 400થી વધુ સ્વયંસેવકો છે. સાથે જ મહિલાઓને પણ રોજગારી અપાવી. હવે આ આદિવાસી પરિવારો વર્ષે 2 થી 3 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.