UPSC ક્લિયર કરવાનું સ્વપ્ન દરેક શિક્ષિત યુવાનોને હોય છે. પરંતુ કેટલીક વાર નિષ્ફળતા મનોબળને નબળું પાડે છે. આજે અમે તમને કોમલ ગણાત્રાની કહાની જણાવીશું. કોમલ ભલે આજે IRS ઓફિસર બની ગઈ હોય પરંતુ અહીં પહોંચવું તેના માટે બિલકુલ સરળ નહોતું. કોમલે 2012 માં યુપીએસસી ક્લિયર કરી. આ પરીક્ષામાં તેણે 591 મો ક્રમ મેળવ્યો હતો.
કોમલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, મને UPSC નું સપનું મારા પિતાએ જ દેખાડ્યું હતું. મારા પિતા ઇચ્છતા હતા કે હું યુપીએસસી ક્લિયર કરું. પિતાએ પરિવારમાં પણ ભાઈ અને મારી વચ્ચે ક્યારેય કોઈ ફરક રાખ્યો નથી. તેથી જ્યારે પણ હું યુપીએસસી વિશે વિચારતી ત્યારે મારી સામે પિતાનું સ્વપ્ન આવી જતું. તેનાથી મને ઘણી હિંમત મળી અને આખરે હું પરીક્ષા પાસ કરવામાં સફળ રહી.
કોમલ ગણાત્રાએ કહ્યું હતું કે, ગ્રેજ્યુએશન બાદ મારા લગ્ન એનઆરઆઈ સાથે થયા. આ દરમિયાન મે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનું મેન્સ પણ ક્લિયર કરી દીધું હતું. મારા પતિ ઇચ્છતા નહોતા કે હું જીપીએસસીનુ ઇન્ટરવ્યુ આપું કારણ કે તે મને તેની સાથે લઈ જવા માંગતા હતા. હવે તમારા લગ્ન જેની સાથે થાય છે તો તેની સાથે પ્રેમ પણ થવા લાગે છે. તેથી મેં ઇન્ટરવ્યુ છોડી દીધું. પરંતુ તે 15 દિવસ પછી મને છોડીને ન્યૂઝીલેન્ડ ગયા. તે પછી તે ક્યારેય પાછા ફર્યા નહીં.
ત્યારબાદ કોમલે ન્યૂઝીલેન્ડ જવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ થઈ શકી નહી. કોમલે આ મામલે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાનને પત્ર પણ લખ્યો હતો. કોમલને સરકાર તરફથી જવાબ પણ મળ્યો હતો. કોમલને આશા હતી કે તેનો પતિ પાછો આવશે પરંતુ એવું બન્યું નહી. આ દરમિયાન તેમને સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી પણ મળી. તેણે નોકરી સાથે યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી.
કોમલે કહ્યું હતું કે તેને અગાઉ પરીક્ષા વિશે કોઈ ખ્યાલ નહોતો. જેથી તે પોતાના ગામથી અમદાવાદ પણ જતી હતી. અહી તે યુપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને મળતી હતી. તે તેની નોકરી સાથે શનિવાર અને રવિવારે ખૂબ અભ્યાસ કરતી હતી. તેમણે યુપીએસસીની મેન્સ આપવા માટે નોકરીમાંથી કોઈ રજા લીધી નહોતી. આખરે તે ત્રણ નિષ્ફળ પ્રયત્નો પછી વર્ષ 2012 મા સફળ થઈ હતી. ત્યારબાદ કોમલે બીજા લગ્ન કર્યા અને હાલ તે એક બાળકીની માતા છે.