આજે પણ સાચી પડી રહી છે કવિ કાગની વાણી, એક વાર જાણી લેશો તો સુખી થઈ જશો

Story

દુલાભાઈ કાગનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ ખાતે થયો હતો. તેમણે માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને પછી તેઓ ખેતીના વ્યવસાયમાં જોડાયા હતા. તેઓ ચારણ હતા અને કહેવાય છે કે ચારણોની જીભ પર મા સરસ્વતી વસે છે.

દુલાભાઈ કાગ પ્રખ્યાત કવિ, ગીતકાર અને લેખક હતા. તેમની કાગવાણી ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત અને પીડિતના દર્દને વાણી આપી હતી. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તકો પણ લખ્યા છે.

25 નવેમ્બર, 2004 ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં પાંચ રૂપિયાની ટિકીટ બહાર પાડવામાં આવી હતી. 1962 માં તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. તેમણે લોક પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગ્રંથમાળા કાગવાણીમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે કાગવાણીની કેટલીક સમજવા જેવી વાતો જાણીશુ.

એવા લોકોને પોતાનો મિત્ર ક્યારેય ન બનાવશો કે જે પોતાના પર દેવું હોવાં છતાં મોજશોખ કરે છે. ખાસ મિત્ર પાસેથી સલાહ લેનાર અને તેને જ ખાનગી માહિતી બહાર લાવનાર વ્યક્તિ સાથે પણ ક્યારેય મિત્રતા કરવી નહી. જે વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા હોય તેની સાથે પણ મિત્રતા કરવી નહીં.

એક વાર પેટ ભરીને જમી લીધાં પછી પણ જમવું એ વિકૃતિ છે, જ્યારે જે ભૂખ્યા રહીને બીજાને ખવડાવે એ સંસ્કૃતિ છે.

વિદ્યાર્થીએ ભણવામાં, ખેડૂતે ખેતી કરવામાં, સ્ત્રીએ ઘી બનાવવા મૂક્યું હોય એમાં અને યુવાનીની સાચવણીમાં ક્યારે આળસ કરવી નહીં. થાકેલા વ્યક્તિને ટૂંકો રસ્તો પણ લાંબો લાગે, ઊંઘ ના આવતી હોય તો રાત લાંબી લાગે અને ઉત્સાહ વગર સફળતા દૂર ભાગે.

વગર મહેનતે બનેલ ધનવાન, થોડા પાણી વાળી નદી અને આકાશમાં ઊંચે ઊડતું પાંદડું પોતાની જાતને મહાન માને છે. નથ નાખવાથી બળદ કાબુમાં આવે છે, અંકુશ રાખવાથી હાથી કાબુમાં આવે છે અને નમ્રતાથી વાત કરવાથી આખું વિશ્વ કાબુમાં આવે છે.

સજ્જન વ્યક્તિ સૂપડા જેવો હોય છે સારી વસ્તુને પોતાની પાસે રાખે છે અને ખરાબને બહાર ફેંકી દે છે, જ્યારે દુર્જન વ્યક્તિ ચારણી જેવો હોય છે ન રાખવાની વસ્તુ રાખે છે અને રાખવાની ત્યજી દે છે.

જેમ ખાંડના નાના ટુકડાને કીડી શોધી શકે છે, વાછરડી પોતાની ગાયને શોધી શકે છે, ખબરો ગુનેગારોને શોધી શકે છે, એવી જ રીતે કર્મનું ફળ જે તે કર્મ કરનાર વ્યક્તિને શોધી શકે છે.

ઊંટને ત્રણ વર્ષની ઉંમરે, ઘોડાને પાંચ વર્ષની ઉંમરે, સ્ત્રીને તેર વર્ષની ઉંમરે અને પુરુષને પચીસ વર્ષની ઉંમરે યુવાની આવે છે. જેમ આખા જંગલનો નાશ કરવા એક તણખો બહુ છે, એવી જ રીતે સારા કર્મોનો નાશ કરવા માટે એક પાપ બહુ છે.

છોડી મુકેલો બળદ, બોલકણો વૃદ્ધ, માન વીનાનો મહેમાન બધા સમાન છે. કર્મ પહેલા કે જીવ? બીજ પહેલા કે વૃક્ષ? ઈંડુ પહેલું કે મરઘી? પુરુષ પહેલો કે સ્રી? આવા સવાલ સમજદાર અને મૂર્ખ બંને સરખા જ આપે છે.

માતા વગર બાળક રડે, માલિક વગર ઢોર રડે, ઘરે રહેવાથી ખેતર રડે, સાવધાની રાખ્યા વગરનો વેપાર રડે અને વેરવાળું જીવન રડે. રાત્રી સૂર્યને મળવા જતા, યુવાની ઘડપણને મળવા જતા અને માનવી કામનાઓને મળવા જતા મૃત્યુ પામે છે.

જેમ ભોગની પછી રોગ છે, વિલાસની પાછળ વિનાશ છે, દિવસ પછી રાત છે એવી જ રીતે જીવન પછી મૃત્યુ છે. જેમ ગધેડાને ખાંડ કડવી લાગે, તાવ આવે ત્યારે દૂધ કડવું લાગે, એવી જ રીતે દુર્જન વ્યક્તિને સુવિચાર કડવો લાગે છે.

સાપને ઘીનો દીવો, લોભી વ્યક્તિને મહેમાન અને બકરીને વરસાદ દીઠો પણ ગમતો નથી. ફળ વીનાના વૃક્ષો પર પક્ષીઓ આવતા નથી, સેવકની જેમને કદર નથી હોતી એ સેવક માલીકને છોડી દે છે, તેવી જ રીતે વૃદ્ધ થયેલ વ્યક્તિને કુટુંબીજનો ત્યાગ કરે છે. જ્યારે ઉંદરના ઘરે ઘરે મૃત્યુના ગાણા ગવાય છે, ત્યારે બિલાડીના ઘરે ખુશીઓના ગીત ગવાય છે, આવું જ આ સંસારમાં પણ છે.

Leave a Reply

Your email address will not be published.