રાજ્યમાં લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય માણસોને હેરાન કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી હોય તેવુ લાગે છે. સમાચારોમાં અવારનવાર લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય માણસો અને વેપારીઓને હેરાન કરવાની ઘટનાઓ આવતી રહે છે. આવી જ એક ઘટના હાલ ગૃહમંત્રીના શહેર સુરતમાં બની છે.
સુરતમાં લેડી ડોન તરીકે કુખ્યાત અસ્મિતા બા ગોહિલ ઉર્ફે લેડી ડોન ભુરીના આતંકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એક પાર્લરમાં લેડી ડોન ભૂરી અને તેના અન્ય સાગરીતોએ ધમાલ મચાવી હતી અને લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સોશિઅલ મીડિયા પર વાયરલ થયા છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર અસ્મિતા ગોહિલ ઉર્ફે લેડી ડોન ભૂરી તથા તેના સાગરીતો રાહુલ ઘોડો, રવિ ગોસાઈ, નાનો ભરવાડ, દિલીપ દરબાર અને અભી બાવા વરાછાના મારુતિ ચોક સ્થિત અનમોલ મસાજ પાર્લરમાં ઘૂસ્યા હતા. જ્યા તેઓએ મસાજ પાર્લરના માલિકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી. ભૂરી અને તેના સાગરીતો 26,000 રૂપિયા રોકડ રકમ અને મોબાઈલ લૂંટીને નાસી ગયા હતા.
આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસે તાકીદે પગલાં ભરવાનું શરૂ કર્યું હતું અને દિલીપ દરબાર નામના ભુરીના સાગરીતની ધરપકડ કરી હતી. આ સિવાય આ ઘટના સાથે સંકળાયેલા અન્ય માથાભારે તત્વોની શોધખોળ પણ વરાછા પોલીસે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે લેડી ડોન ભૂરીનું આ પહેલા પણ અન્ય ઘણા અપહરણ, મારામારી અને લૂંટ જેવા ગુનાઓમાં નામ આવ્યું છે. ભૂરીને ઘણા સમય સુધી જેલમાં પણ રહેવું પડયું છે. હજુ થોડા સમય પહેલા ભૂરી જેલમાંથી બહાર આવી હતી ત્યાં ફરી એક્વાર તેની નફ્ફટાઈના કિસ્સાઓ સામે આવ્યા છે.