ભારત એક ધાર્મિક દેશ છે. અહીં દેવી દેવતાઓને પૂજવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દૂ ધર્મમાં કોઈપણ કાર્ય શરુ કરતા પહેલા ગણેશજીની સૌ પ્રથમ પૂજા કરવામાં આવે છે. દંત કથા અનુસાર એકવાર શિવીજીએ ગુસ્સે થઈને ભગવાન ગણેશનું મસ્તક કાપી નાખ્યું હતું. ત્યાબાદ પાર્વતીજીના કહેવાથી ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક મુકવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડમાં આવેલી પાતાલ ભુવનેશ્વર ગુફા ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ ગુફા વિશાળ ટેકરીથી લગભગ 90 ફુટ અંદર લગભગ આવેલી છે. દંત કથા અનુસાર આ ગુફાની શોધ આદિ શંકરાચાર્યએ કરી હતી.
આ ગુફાઓમાં ચાર યુગના પ્રતીક એવા ચાર પથ્થરો લગાવવામાં આવ્યા છે. આ પથ્થરોમાંથી એક જે કળિયુગનું પ્રતીક માનવામાં આવે છે, તે ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે. માન્યતા અનુસાર જે દિવસે કળિયુગનું પ્રતીક દર્શવતો આ પથ્થર દિવાલ સાથે ટકરાશે તે દિવસે કળિયુગનો અંત આવશે.
દંતકથા અનુસાર દેવી પાર્વતીએ એકવાર ભગવાન ગણેશને તેમના દ્વારપાળ તરીકે નિયુક્ત કર્યા અને આદેશ આપ્યો કે તેઓ સ્નાન કરી રહ્યા છે તેથી કોઈને અંદર પ્રવેશ કરવા દેવો નહીં. ગણેશજી દ્વાર પર હતા ત્યારે ભગવાન શિવ ત્યાં આવ્યા પરંતુ માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા તેથી ભગવાન ગણેશે તેમનો રસ્તો રોકી દીધા અને તેમને અંદર જવા દીધા નહીં.
ભગવાન શિવ આથી ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે ભગવાન ગણેશનું માથુ કાપી નાખ્યું. જ્યારે માતા પાર્વતીને આ વાતની ખબર પડી ત્યારે તે પણ ગુસ્સે થઇ ગયા અને શોક કરવા લાગ્યા. ત્યાબાદ પાર્વતીજીની ખુશી માટે ભગવાબ શિવે ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક મૂક્યું અને ગણેશજીને પુનર્જીવિત કર્યા અને વરદાન આપ્યું કે બધા દેવોમાં સૌથી પહેલા ગણેશની પૂજા કરવામાં આવશે.
પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન ગણેશનું માથું ધડમાંથી અલગ કર્યા પછી ભગવાન ગણેશનું મસ્તક આ ગુફામાં પડ્યું હતું. લોકો ઊંડે પાતાળમાં આવેલી આ ગુફામાં પડેલા ગણેશજીના મસ્તકના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે ગુફામાં શ્રી ગણેશના ધડથી ચહેરો અલગ રાખ્યો હતો. આ ગુફા અત્યારે પાતાલ ભુવનેશ્વર ગુફા મંદિર તરીકે ઓળખાય છે. અહીં હાજર ભગવાન ગણેશની મૂર્તિ આદિગણેશ કહેવાય છે.