વિશ્વની સૌથી મોટી ઓનલાઈન શોપિંગ કંપની અને વિશ્વના બીજા સૌથી મોટા અબજોપતિ ગણાતા એમેઝોનના માલિક જેફ બેઝોસ હવે અવકાશમાં પોતાની સફળતાનો ધ્વજવંદન કર્યા બાદ વોટર વર્લ્ડ પર પ્રભુત્વ જમાવવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જેફ બેજોસ દુનિયાની સૌથી મોટી બોટ બનાવી રહ્યા છે.
નેધરલેન્ડના એક શિપયાર્ડમાં બનાવવામાં આવી રહેલી આ સુપરયાટનું નામ Y721 છે. જેફ બેઝોસની આ બોટની પ્રથમ તસવીર સામે આવી છે. એક અંદાજ મુજબ આ 417 ફૂટ લાંબી સુપરબોટ જહાજ બનાવવા માટે લગભગ 43.65 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
એક અહેવાલ મુજબ વિશ્વનું આ સૌથી મોટું પેસેન્જર જહાજ આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. જેફ બેઝોસે તાજેતરના પોતાના પુસ્તકમાં Y721 વિશે પણ ઉલ્લેખ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સુપર જહાજ વર્તમાન સમયના શ્રેષ્ઠ જહાજમાંથી એક હશે. અલબ્લાસર ડેમમાં રાખવામાં આવેલા આ સુપર જહાજનું નિર્માણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
જો કે આ સુપર જહાજ બનાવનારી કંપનીએ તેની ગ્રાહકની ગોપનીયતાને માન આપીને તેને બનાવનાર વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી. 194 બિલિયન ડોલરના માલિક જેફ બેઝોસના આ સુપર જહાજ અવકાશમાંથી પણ જોઈ શકાશે. હેલિપેડની સાથે આ જહાજમાં પોતાની અન્ય સ્પોર્ટ બોટ પણ હશે.
આ સુપરયાટ જહાજની સાથે બેઝોસ ટેક્સાસમાં 500 ફૂટ લાંબી ઘડિયાળ પણ બનાવી રહ્યા છે. આગામી 10 હજાર વર્ષ સુધી ચાલનારી આ ઘડિયાળ પવનથી ચાલશે. આ સાથે જેફ બેઝોસ અમેરિકાના પ્રખ્યાત અખબાર વોશિંગ્ટન પોસ્ટના માલિક પણ છે.