આપણો દેશ હંમેશા પ્રકૃતિથી સમૃદ્ધ રહ્યો છે. એવા વૃક્ષો અને છોડ અહીં જોવા મળે છે જે મૂલ્યવાન હોવાની સાથે ફાયદાકારક પણ છે. આવો જ એક પ્રાકૃતિક ખજાનો છે લાલ સોનુ જે ભારતમાં કોઈ ચોક્કસ જગ્યાએ જોવા મળે છે. હવે તમે વિચારશો કે સોનું પીળા રંગનુ હોય છે, તો આ લાલ સોનું શું છે. આ એક એવું વૃક્ષ છે જે સોના જેટલું મૂલ્યવાન છે. તેથી જ દુનિયા તેને ‘લાલ સોનું’ કહે છે.
આ લાલ સોનું ચંદનનું લાકડુ છે. કો કે આપણા દેશમાં ચંદન માત્ર લાકડુ જ નથી, પરંતુ તેનું અનેક ધાર્મિક મહત્વ પણ છે. તિલકથી લઈને અગરબત્તી સુધી આ સુગંધિત લાકડું વપરાય છે. આ લાકડું સફેદ, રાતા એટલે કે લાલ અને પીળા એમ ત્રણ પ્રકારનું હોય છે. પરંતુ લાલ ચંદનની વાત અલગ છે. જ્યારે સફેદ અને પીળા ચંદનમાં સુગંધ હોય છે, ત્યારે લાલ ચંદન સુગંધિત લાકડું નથી. લાલ ચંદનનું વૈજ્ઞાનિક નામ Pterocarpus santalinus છે.
આ લાલ ચંદનનો ઉપયોગ વાઇન બનાવવા માટે પણ થાય છે. આ ચંદન જેને દુનિયા લાલ સોના તરીકે ઓળખે છે તે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધ તરીકે ઘણી રીતે થાય છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં તેની ખૂબ માંગ છે. આ મોંઘા લાકડામાંથી દવા ઉપરાંત ફર્નિચર, ડેકોરેશનની વસ્તુઓ વગેરે પણ તૈયાર કરવામાં આવે છે. વધુમાં આ લાકડાનો ઉપયોગ વાઇન અને કોસ્મેટિક્સ બનાવવામાં પણ થાય છે.
પાણીમાં ડૂબીને ઉગતા આ ખાસ લાકડાના વૃક્ષની સરેરાશ ઊંચાઈ 8 થી 12 મીટરની હોય છે. આ ચંદન ભારતમાં દરેક જગ્યાએ જોવા મળતું નથી. આ વૃક્ષો માત્ર આંધ્ર પ્રદેશના ચાર જિલ્લાઓમાં ફેલાયેલા સેશાચલમ પહાડીઓમાં ઉગે છે. જે નેલ્લોર, કુર્નૂલ, ચિત્તૂર અને તમિલનાડુની સરહદે આવેલા કુડ્ડાપાહમાં જ જોવા મળે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં વેચાતા આ ચંદનની દાણચોરી પણ જોરશોરથી ચાલી રહી છે. આ વૃક્ષો એટલા કિંમતી છે કે તેમની સુરક્ષા માટે STF એટલે સ્પેશિયલ સુરક્ષા દળ પણ તૈનાત કરવામાં આવ્યુ છે. ભારતમાં તેની દાણચોરી રોકવા માટે કડક કાયદા છે.
ચીન, જાપાન, સિંગાપોર, યુએઈ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા દેશોમાં આ લાકડાની માંગ છે. આ બધામાં ચીન એવો દેશ છે જ્યાં આ લાકડાની સૌથી વધુ દાણચોરી થાય છે. અહીં આ ચંદનની માંગ વધારે છે કારણ કે ચીન તેમાંથી ફર્નિચર, ડેકોરેટિવ વસ્તુઓ અને પરંપરાગત સાધનો બનાવે છે.