જેસલ તોરલની સમાધિ સાથે જોડાયેલુ આ ખૌફનાક રહસ્ય, જે દિવસે સમાધિ સાથે આ થયું ત્યારે દુનિયા ખતમ થઈ જશે

Religious

જેસલ તોરલની સમાધિ સાથે એક ખાસ રહસ્ય જોડાયેલું છે. જેસલનો જન્મ 14 મી સદીની આસપાસ કચ્છ દેદાવંશના લાખાજી જાડેજાના પુત્ર ચંદોડી જાડેજાને ત્યાં થયો હતો. લોકવાયકા અનુસાર અંજાર તાલુકાનુ ગામ જેસલને ઘરાસમાં મળ્યું હતું પણ ઘરાસના હિસ્સામાં વાંધો પડતાં જેસલ બહારવટિએ ચઢ્યો હતો.

જેસલ ખૂંખાર બહારવટિયો હતો. જેસલ જાડેજાની આખા કરછમાં હાક હતી. જેથી કહેવાતુ કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. એકવાર જેસલને તેમના ભાભીએ આપેલા કડવા વેણ યાદ રહી ગયા જેથી કહ્યું તે કામ કરવા માટે જેસલ નીકળી પડ્યા.

તે વખતે અડધી રાત થઈ હતી. છતાં સૌરાષ્ટ્રના સંત સાસતીયા કાઠીને ત્યાં ભજન મંડળી જામેલી હતી. સાસતીયા કાઠી જાગીરદાર હતા. તેમની પાસે તોરી નામની પાણીદાર ઘોડી હતી. તોરી ઘોડીની ખ્યાતિની વાતો બહાદુર બહારવટિયા જેસલ જાડેજાના કાને પડી.

ઘોડી વિષે સાંભળતાની સાથે જ જેસલે આ પાણીદાર ઘોડીને કોઈપણ રીતે હાંસલ કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટે જેસલ જાડેજા રાહ જોઈને સૌ કોઈ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડીને ઉઠાવી જવા અહી સાસતીયા કાઠીને ઠેકાણે આવી પહોંચે છે અને કાઠી રાજના ઘોડારમાં સંતાઈ જાય છે. તે વખતે ઘોડી જેસલને જોઇને ખીલો જમીનમાંથી કાઢીને બહાર નીકળી જાય છે.

ઘોડીના રખેવાળે ઘોડીને ફરી બાંધવાની કોશિશ કરી. તે સમયે ઘોડીના રખેવાળને જોઇને જેસલ ઘાસમાં છુપાઈ ગયો. રખેવાળે ફરી ખીલો જમીનમાં ખોપી દીધો પરંતુ આ ખીલો ઘાસમાં છુપાયેલા જેસલના હાથની આરપાર નીકળી ગયો અને જેસલ સખત રીતે જકડાઈ ગયો. છતાં તેણે એક ચીસકારો પણ ના કર્યો અને ઘાસમાં મુંગો પડ્યો રહ્યો.

સત્સંગ પૂર્ણ થતાં સંત મંડળીમાં પ્રસાદ વહેંચાવા લાગ્યો ત્યારે એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો તો પ્રસાદ કોના ભાગનો વધ્યો તે શોધવાનું શરૂ થયું. ઘોડીએ ફરીવાર નાચકુદ શરૂઆત કરી, જેથી તેના રખેવાળને થયું કે નક્કી કોઈ અંદર છે. રખેવાળે અંદર જોયુ ત્યારે જેસલ જાડેજા ખીલાથી વિંધાયેલો હતો. ત્યારબાદ રખેવાળ ખીલો કાઢી જેસલ ને કાઠી રાજ પાસે લઈ ગયો.

જેસલની વીરતા જોઈ કાઠીરાજે તેને બિરદાવ્યો અને પછી તેનુ નામ અને કામ પૂછ્યું. જેસલે કહ્યું હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લેવા આવ્યો છું. કાઠી રાજે કહ્યું તે તોરી રાણી માટે આટલી બધી તકલીફ ઉઠાવી તો જા તોરી તારી.

જેસલે ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી ધોડીની વાત કરું છું. સાસતીયા કાઠીએ કહ્યું એમ તો ઘોડી પણ તમારી સમજો. ખુશીથી લઇ જાવ. આ રીતે જેસલને તોરલ અને તોરી ઘોડી બંને મળી ગયા. તોરલ સાથે જેસલ કચ્છ તરફ ચાલ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા.

મધ દરિયે ભયંકર તોફાન આવ્યું. આ તોફાન જોઈ દરેક મર્દોનુ શરીર કાયરતાની માફક કાંપવા લાગ્યું પણ તોરલ શાંત મૂર્તિ પ્રકારે બેઠી હતી. તેમના મુખ પર ભય ન હતો અને શાંત તેજસ્વીતા હતી. આ જોઈ જેસલ તેના ચરણોમાં ઢળી પડ્યો અને કહ્યું કે સતી તોરલ આ દરિયો ગાંડો થયો થયો છે.

ડુંગરા જેટલા મોજા ઊછળે છે અને આ વહાણ હાલક ડોલક થઈ રહ્યું છે. ડૂબ્યું કે ડૂબશે તેવું થઈ રહ્યું છે. આવા સમયે આ મોતના તાંડવ આગળ તમામ મુસાફરો થર થર ધ્રુજે છે. આ મોતના તાંડવથી હું પણ દ્રૂજુ છું ત્યારે તમને બીક નથી લાગતી. ત્યારે સતીના ભજન સ્વરૂપે તેના શબ્દો નીકળ્યા કે..

પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે.. તારી બેડલીને બૂડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહિ દઉં તેના જવાબમા જેસલ પણ તેના પાપો સ્વીકારે છે… અને કહે છે કે હરણ હરિયા વનના મોરલા મારિયા તોરી સરોવર પાર જઈ ખવધન માંળીયા મેતો લૂંટી કુંવારી જાન રે વગેરે જેવા પાપોના જેસલ સ્વીકાર કરે છે. આ રીતે તેના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ. અભિમાન ઓગળી ગયું અને દરિયો પણ શાંત થઈ ગયો. થોડા જ સમયમાં તેના જીવનમાં પલટો આવ્યો. હ્ર્દય પરિવર્તન થતા મહા માર્ગે દીક્ષિત થયા.

આમ જેસલ તોરલનો ઇતિહાસ ખુબજ સુંદર છે. કહેવાય છે કે કચ્છના અંજારમાં આવેલી આ જેસલ તોરલની સમાધિ દર વર્ષે ચોખાના દાણા જેટલી એકબીજાની નજીક આવે છે. લોકવાયકા અનુસાર જ્યારે બને સમાધિ ભેગી થશે ત્યારે પૃથ્વીનો વિનાશ થશે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જેસલ તોરલની સમાધિ જોવા માટે જાય છે.

Leave a Reply

Your email address will not be published.