આજે પણ મહુડીના મંદીરમાંથી બહાર નથી લઈ જવાતો સુખડીનો પ્રસાદ, જાણો ગુજરાતના આ મંદીરની અનોખી કહાની

Religious

ઉત્તર ગુજરાતના મહુડીમાં આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. ભગવાન મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાં જ ખાવી પડે છે તેને મંદીરની બહાર લઈ જઈ શકાતી નથી. 

ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે. ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. મહુડી મંદિર સંકુલમાં બનતી સુખડીની પ્રસાદીનું અનેરૂ મહત્વ માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે. 

વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે. જૈન ધર્મનું ચુસ્ત પાલન કરનાર દિલીપભાઈ કોઠારીને પુછવામાં આવ્યું હતું કે મહુડીમાં આપવામાં આવી રહેલ પ્રસાદ સુખડી મંદિરમાંથી કેમ બહાર લઈ નથી જવાતી ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ એક જુની પરંપરા છે જે બુદ્ધિ સાગર મહારાજે મહુડીની સ્થાપના કરી ત્યારથી પ્રસાદ મંદિરમાંથી બહાર લઈ જવાનું બંધ કર્યું છે. 

જે તે સમયે મહુડી અને આજુબાજુના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી ત્યારે બુદ્ધિ સાગર સાહેબ મહારાજે એવું નક્કી કર્યું હતું કે પ્રસાદ રૂપે આપવામાં આવી રહેલ સુખડી ગામમાંથી બહાર લઈ જવી નહીં. પરંતુ એક દિવસ એવું બન્યું કે ગામનો એક વ્યક્તિ તે સમયે પ્રસાદ રૂપે આપવામાં આવેલી સુખડી ગામની બહાર લઈ ગયો હતો ત્યારે ભગવાને પરચો દેખાડ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સુખડી મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતી નથી. 

કહેવાય છે કે મહુડી જેવું બીજું પણ એક મંદિર ગુજરાતમાં આવેલું છે જેનું નામ આગલોડ છે. ત્યાં પણ પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવે છે જે મંદિરમાંથી બહાર લઈ જવાતી નથી. આજે પણ ત્યાં આ પરંપરા ચાલતી આવે છે. ગાંધીનગરથી લગભગ પાત્રીસ કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. 

આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે જેની ટોચ પર સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે, અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા ખૂબ મોટો છે.

Leave a Reply

Your email address will not be published.