બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર આ ગુજરાતી છોકરી બની કોમર્શિયલ પાયલોટ, ગરીબ પરિસ્થિતિમાંથી બહાર આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

Story

લોકો એવું કહેતા હોય છે કે સપના જોવા માટે ના ઉંમર નડે છે ના તો પરિસ્થિતિઓ. પરંતુ હકીકતમાં બહુ જ ઓછા એવા લોકો હોય છે જે પોતાના સપના સાકાર કરવા માટે મહેનત કરતા હોય છે. પોતાના ઘરની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં કઠિન મહેનત કરે છે અને તેમની મહેનત ફળે પણ છે. સખત મહેનત કરીને તેઓ પોતાના સપનાને એક દિવસ ચોક્કસ સાકાર કરીને બતાવે છે. આજે અમે તમને આજે એક એવી જ કહાની જણાવીશું.

કહેવાય છે કે માણસ જો મનથી નક્કી કરી લે તો તે કંઇ પણ હાંસલ કરી શકે છે પછી ભલે ગમે તેટલી વિકટ પરિસ્થિત આવે પરંતુ તે રસ્તો બનાવી લે છે. આ વાતને સાકાર કરે છે વડોદરાની ખુશ્બુ પરમાર. ખુશ્બુએ બાળપણમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. પરંતુ તેની માતાએ તેને ભણાવી અને આજે તે કમર્શિયલ પાયલોટ બની ગઈ છે.

ખુશ્બૂના પિતાનું અવસાન થતાં તેમના ઘરની પરિસ્થિતિ ખરાબ બની હતી. પરંતુ ખુશ્બૂને બાળપણથી પાયલટ બનવાનું સપનું હતું. આ માટે ખુશ્બુને ગુજરાત સરકારે પણ આર્થિક સહાય કરી હતી, જેના કારણે આજે ખુશ્બુએ ઊંચા આકાશમાં પોતાના સપનાની ઉડાન ભરી છે. આ સાથે ખુશ્બુ પરમારે માત્ર પોતાના માતા પિતાનું નહિ પરંતુ દેશનું ગૌરવ પણ વધાર્યું છે.

વડોદરાના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ લઈને ઉછેરેલી 28 વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમારે બાળપણથી જ ઊંચા આકાશે ઉડવાનું સપનું જોયું હતું. પરંતુ કિસ્મતે તેના આ સુંદર સપનામાં અડચણો નાખવાનું કામ કર્યું. નાની ઉંમરમાં જ તેના પિતાનું નિધન થવાના કારણે પરિવારના માથે પણ આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ.

ખુશ્બુ પરમારે હાર માની નહિ અને પરિસ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું. ખુશ્બુની માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરે છે. તેમને પોતાની પરિસ્થિતિ સામે હાર ના માનતા દીકરીને આગળ વધારવાનું અને તેના સપનાને પુરા કરવાનું નક્કી કર્યું અને તેને ભણાવી. તેમની દીકરી ખુશ્બુ ભણવામાં ખુબ જ હોશિયાર હતી.

ખુશ્બુ એ ધોરણ 12 સાયન્સ સુધી ખુબ જ લગન અને મહેનતથી અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકારની કમર્શિયલ પાયલોટ લાયસન્સ યોજનાએ તેનું સપનું પૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું. ખુશ્બુનું આ સપનું સાકાર કરવામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત સરકારની યોજના હેઠળ 24.72 લાખની લોન મળી.

ખુશ્બુ માટે આ ખુબ જ ખુશીની વાત હતી. આખરે આ યોજના હેઠળ ખુશ્બુનું કોમર્શિયલ પાયલોટનું લાયન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સપનું આખરે પૂર્ણ થયું. ખુશ્બૂની સખત મહેનત અને તેના પરિવારના સાથ સહકાર ખુશ્બુ આગળ વધી તેમજ ગુજરાત સરકારની મદદને કારણે ખુશ્બૂની મહેનત રંગ લાવી અને ખુશ્બુ પાયલોટ બની ગઈ. જેના બાદ તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો. હવે ગુજરાતની દીકરી ખુશ્બુ આસમાનમાં ઉડાન ભરશે.

Leave a Reply

Your email address will not be published.