પરિવારના ભરણ પોષણ માટે હાથ પગ વિનાનો વિકલાંગ વ્યક્તિ ચલાવી રહ્યો હતો રીક્ષા, વિડીયો જોઈ આનંદ મહિન્દ્રાએ કરી દીધી આ ઓફર

India

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આ દરમિયાન તે માત્ર પોતાના વિશે જ ટ્વીટ નથી કરતા, પરંતુ દેશની એવી પ્રતિભાઓને યુઝર્સની સામે લાવે છે, જેમની કુશળતા વિષે કોઈ જાણતું નથી. એક રીતે જોઈએ તો, આનંદ મહિન્દ્રા ટ્વિટર પર એક ટેલેન્ટ શો ચલાવી રહ્યા છે અને તે આ પ્રતિભાઓની પ્રશંસા કરે છે અને સાથે સાથે તેમને દિલ ખોલીને મદદ પણ કરે છે.

આવી જ એક પ્રતિભાએ એકવાર ફરી આનંદ મહિન્દ્રાને ચોંકાવી દીધા છે. આ વ્યક્તિ અને તેમની અદભુત ગાડીને જોઈને તમે પણ દંગ રહી જશો. ખરેખર આ ગાડી ચલાવતા વ્યક્તિને હાથ પણ નથી અને પગ પણ નથી. આ વ્યક્તિ માત્ર પોતાના નાનકડા શરીરની મદદથી ગાડી ચલાવી રહ્યા છે. આ વ્યક્તિ પોતાની શારીરિક ખામીને નકારીને ગાડી ચલાવે છે.

આ વ્યક્તિની હિંમત સોશિયલ મીડિયામાં લોકોના દિલ જીતી રહી છે. આનંદ મહિન્દ્રા આ મહેનતી માણસની મહેનતને સામે લઈને આવ્યા છે. આ વ્યક્તિના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ગાડી ચલાવી રહ્યા છે. આ વ્યક્તિ પોતાના માટે આવું નથી કરી રહ્યા પરંતુ તેઓ પોતાના પરિવાર માટે મહેનત કરી રહ્યા છે. તેઓ આ ગાડી ચલાવીને પોતાના બે બાળકો, પત્ની અને પિતાનું પેટ ભરી રહ્યા છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ વ્યક્તિનો વિડીયો શેર કર્યો હતો. તેમને વિડીયો શેર કરતા કહ્યું હતું કે, આ વ્યક્તિ ખુબજ મહેનતુ છે. આ સાથે જ મહિન્દ્રાએ તેમને નોકરી પણ ઓફર કરી. આ બાબતે આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે તેમને એ પણ નથી ખબર કે આ વિડીયો ક્યારનો છે.

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે હું આ બાબતે વધારે જાણતો નથી પરંતુ તેમની એ વાતથી ખુશ છું કે, તે આ માણસની એ હકીકત માટે પ્રશંસા કરે છે કે તે માત્ર તેની વિકલાંગતા સાથે સંઘર્ષ કરી રહ્યો નથી પરંતુ તેની પાસે જે છે તેનાથી ખુશ છે. પોતાના પરિવાર માટે આ માણસ ખુબ જ મહેનત કરી રહ્યો છે.

આનંદ મહિન્દ્રા પાસે આ વીડિયો વિશે કોઈ માહિતી નથી, પરંતુ પોતાના ટ્વીટની કોમેન્ટમાં કૃષ્ણ કુમાર નામના યુઝરે જણાવ્યું કે તેણે આ વ્યક્તિને દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં જોયો હતો. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં અંતે જે ઓટો દેખાઈ રહી છે, તેનો નંબર દિલ્હીનો જ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિ ખરેખર દિલ્હી અથવા NCR ના કોઈપણ વિસ્તારનો રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published.