સૌરાષ્ટ્રના સંતોની દરિયાદિલી જેણે પોતાની પત્નીના પણ દાન આપી દીધા, જાણો વીરપુરના સંત જલારામ બાપાનો ઇતિહાસ

Religious

સૌરાષ્ટ્રને તીર્થોની ભૂમિ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ગામેગામ તીર્થધામો આવેલા છે અને તેનું મહત્વ પણ એટલું જ છે. દરેક ધામ સાથે ચમત્કારો જોડાયેલા છે. તેના ચમત્કારોના હિસાબે સાધુ સંતો અને આ તિર્થધામની ઘણી બધી વાતો છે. આજે અમે તમને એવા જ એક તીર્થધામ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

વીરપુર જલારામ બાપાનું ધામ છે. 14 મી નવેમ્બર અને કારતક મહિનાની સાતમનો દિવસ એટલે સંત જલારામ બાપાનો પ્રાગટ્ય દિવસ. એક સામાન્ય માનવી કેવી રીતે ભગવાન બની ગયો તેનો પૂરો ઈતિહાસ અને તેના લગ્ન જીવન વિશે આજે અમે તમને જણાવીશું.

સંત શ્રી જલારામ બાપા નાની ઉંમરે જ એટલે કે જ્યારથી બોલતાં થયા અને સમજતા થયા ત્યારથી બસ એક જ રામ નામના મંત્રનું રટણ કરતા. જલારામ બાપા રમવાની ઉંમરે પણ ભગવાનના મંત્ર જાપનું જ રટણ કરતા. જલારામ બાપાના માતાનું નામ રાજબાઈ હતું. તેમના પિતા મોટા વેપારી હતા.

જલારામ બાપાના પિતાની દુકાન હતી. એટલે હિસાબ-કિતાબમાં વાંધો ના આવે એટલે જલારામ બાપાને નિશાળે ભણવા બેસાડેલા. પરંતુ જન્મથી જ તેમનો જીવ ભગવાનમાં ગૂંચવાયેલો હતો એટલે બાપાનું મન ભણવામાં જરાયે ના લાગતું. તેઓ તો બસ ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતા.

જલારામ બાપાને જનોઈ આપી તેવા તરત જ તેમને વેપારમાં બેસાડી દીધા હતા. બાપા તો સાધુ સંતો સાથે સત્સંગ કરીને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવડાવે. એ જ એમનો ધર્મ. જેથી એમના પિતાને ચિંતા થવા લાગી એટલે બાપાના વીરબાઈ સાથે લગ્ન કરાવી દીધા.

પરંતુ બાપમાં કોઈ બદલાવ આવ્યો નહિ. બાપા તો લગ્ન પછી પણ ધર્મમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. બસ સેવા કરવી એ જ એમનો પરમ ધર્મ. બાપાની ભક્તિ જોઈને વીરબાઈ પણ ભક્તિના રસ્તે વળી ગયા. પતિની ખુશી ધર્મ સેવા કરવાનો છે તેથી તેઓ પણ પોતાની ફરજ સમજીને સાધુ સંતોની સેવા કરતા અને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પાતા.

એક દિવસ જલારામ બાપાના પિતા જલારામ બાપાને સમજાવવા આવ્યા કે ભક્તિ તો ઘેર બેઠા પણ થાય. આમ ગામો ગામ જઈને જાત્રા કરીને ભક્તિ કરવાથી શું ફાયદો? કીડીને કણ નાખીએ તો પણ પુણ્ય મળે અને કબુતર ને ચણ નાખીએ તો પણ પુણ્ય મળે.

જલારામ બાપાને તેમના પિતાએ કહ્યું કે ભક્તિ કરવી જ હોય તો તું ઘરે જ કોઈ ભૂખ્યા સાધુ સંતને જમાડ દીકરા. પણ ઘરનો ધંધો ખોટમાં ઉતારીને આમ ભક્તિ ન કરાય. બાપાને પોતાના પિતાની વાત મનમાં ઉતરી ગઇ અને બાપાએ ઘરે સદાવ્રત ચાલુ કરી દીધું. વિરબાઈ રાંધે અને ભૂખ્યાને અન્ન જમાડે.

આમ તે બંને પતિ-પત્ની હરિના ગુણ ગાતા જાય અને મજૂરી કરતા જાય. દિવસેને દિવસે બાપાના ઘરે સાધુ સંતો અને ભક્તો વધારે આવવા લાગ્યા. જલારામ બાપા તેમને હોંશે હોંશે જમાડતા અને રાજી થતા. એક દિવસ જલારામ બાપાની ભક્તિ જોઈને ખુદ ભગવાનને પણ જલારામ બાપાની પરીક્ષા કરવાનું મન થયું.

ભગવાન ઘરડા સાધુના વેશમાં આવ્યા અને જલારામ બાપને કહ્યું કે મારે તો જમવું નથી. હું ભૂખ્યો નથી પણ હું ઘરડો છુ મારી સેવા કરવા વાળું કોઈ નથી. મારી સેવા કરવા માટે મારે તો તારી બાઈ એટલે પત્ની જોઈએ છે. બાપા કાંઈ જવાબ આપે તે પહેલાં વીરબાઇ આ સાંભળી ગયા અને સંત સાથે ચાલવા લાગ્યા.

ભગવાને જલારામ બાપાની કઠોર પરીક્ષા લીધી પણ તેમાં પણ બન્ને પતિ પત્ની સફળ થયા. સાધુ વીરબાઈને લઈને થોડા આગળ ગયા અને પછી ગાયબ થઇ ગયા. વિરબાઈને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ સાધુ નહીં પણ સ્વયં ભગવાન જ હતા.

આજે પણ જલારામ બાપાના ધામમાં જલારામ બાપાની સાથે તે લાકડી અને જોળીના દર્શન થાય છે જે તે સાધુ રૂપે આવેલા ભગવાન સાથે લઈને આવ્યા હતા. હાલ તેની પૂજા પણ કરવામાં આવે છે. મિત્રો આજે પણ જલારામ બાપાના વીરપુર ધામમાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. લાખો ભક્તો અહીં બાપાના દર્શન કરવા આવે છે અને દરેક દાદાના પ્રસાદનો લાભ લે છે.

Leave a Reply

Your email address will not be published.