લગભગ 20 વર્ષથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નેતૃત્વ કરી રહેલા મુકેશ અંબાણી ટૂંક સમયમાં જ નિવૃત્તિ લેવા જઈ રહ્યા છે. આ વિશે પહેલાથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી, હવે માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિએ મુકેશ અંબાણીએ પણ સામેથી આનો સંકેત આપ્યો છે. આવનારા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નેતૃત્વમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થપાક ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં આ બાબતે સંકેત આપવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીએ મંગળવારે આ કાર્યક્રમમાં કહ્યું કે હવે નવી પેઢી નેતૃત્વની જવાબદારીઓ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને સક્ષમ બનાવવા જોઈએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. હવે આપણે નિરાંતે બેસીને નવી પેઢીને આપણા કરતા વધુ સારું પ્રદર્શન કરતા જોવું જોઈએ.
આ વર્ષે ઓગસ્ટમાં પ્રથમ વખત એવા અહેવાલો આવ્યા હતા કે મુકેશ અંબાણી નિવૃત્તિ લેવાની તૈયારી કરી રહ્યા છે. ટીમથી લઈને વિશાળ વ્યાપારી સામ્રાજ્યને કેવી રીતે વહેંચવું અને કોને કઈ જવાબદારીઓ સોંપવી તે નક્કી કરવા માટે ફેમિલી કાઉન્સિલની રચના કરવાની યોજના ચાલી રહી છે.
મુકેશ અંબાણી 2002 માં પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના નિધન બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જવાબદારી સંભાળી રહ્યા છે. મિલકતની વહેંચણીને લઈને મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે જાહેર નિવેદનો પણ આવ્યા હતા, જેમાં પાછળથી માતા કોકિલાબેનની મદદથી વિવાદો ઉકેલાયા હતા. મુકેશ અંબાણી હવે નવી પેઢીને જવાબદારી સોંપતા આવા કોઈપણ વિવાદ થવા અંગેનો અવકાશ છોડવા માંગતા નથી.
કાર્યક્રમમાં તેણે બંને પુત્રો આકાશ અંબાણી, અનંત અંબાણી અને પુત્રી ઈશા અંબાણીનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે આ ત્રણેય આગામી પેઢીના લીડર છે, તેમને તેમાં કોઈ શંકા નથી. આ ત્રણેય રિલાયન્સને વધુ ઊંચાઈએ લઈ જશે. તેમણે કહ્યું દરરોજ હું રિલાયન્સ પ્રત્યે ત્રણેયનો જુસ્સો, પ્રતિબદ્ધતા અને નિષ્ઠા અનુભવું છું. ભારતની પ્રગતિમાં યોગદાન આપવા અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો મારા પિતામાં જે જુસ્સો હતો, તે હું આ ત્રણમાં જોઈ શકું છું.
મુકેશ અંબાણીએ આ પ્રસંગે કંપનીના બિઝનેસ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે રિલાયન્સે ટેક્સટાઈલ કંપની તરીકે શરૂઆત કરી અને આજે એનર્જી બિઝનેસમાં મોટો હિસ્સો ધરાવે છે. અંબાણીએ કહ્યું કે રિલાયન્સ આવનારા સમયમાં ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનશે. તેમણે છેલ્લા એક વર્ષમાં લગભગ એક લાખ રોજગારીની તકો ઊભી કરવાનો દાવો પણ કર્યો. અંબાણીએ કહ્યું કે આ એક વર્ષમાં રિલાયન્સે લગભગ 10 લાખ નાના દુકાનદારોને પોતાની સાથે જોડ્યા છે.