દેશના મોટાભાગના યુવાનોનું સપનું હોય છે કે તેઓ યુપીએસસી પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વિસ જોઈન્ટ કરે. જેથી કરીને દેશના મોટા મોટા શહેરોમાં યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસ પણ ચાલે છે. દરેક લોકો કોચિંગ ક્લાસ પર આઇએએસ, આઇપીએસ બનવા માટેનું સપનું લઈને જાય છે, પરંતુ તમામ લોકો તેમાં સફળ થતા નથી.
અત્યારના સમયમાં લોકોના મગજમાં એ વાત બેસી ગઈ છે કે કોચિંગ ક્લાસ કર્યા વગર યુપીએસસી જેવી મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરી શકાતી નથી. પરંતુ આ વાતને ખોટી સાબિત કરે છે અનુકૃતિ શર્મા. કેવી રીતે ખોટી સાબિત કરે છે આવો જાણીએ તેના વિશે.
અનુકૃતિ શર્મા રાજસ્થાનના જયપુરમાં રહે છે. તેમના પિતા સરકારી નોકરી કરે છે તથા માતા કોલેજમાં ભણાવે છે. અનુકૃતિએ ક્યારેય પણ સિવિલ સર્વિસમાં જવાનું વિચાર્યું નહોતું, પરંતુ તેમને એટલી જરૂર ખબર હતી કે તેમને કંઈ સારું કરવું છે. તેનું એક કારણ હતું કે તે જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની કોલેજની બહાર એક વ્યક્તિ ચા વેચતા હતા.
આ ચા વેચનારે પોતાની દીકરીના લગ્ન માત્ર 14 વર્ષની ઉંમરમાં કરાવી દીધા હતા. જ્યારે આ વાતની અનુકૃતિને ખબર પડી ત્યારે તેને અહેસાસ થયો કે જો એ છોકરીને પણ મોકો મળ્યો હોત તો તે પણ પોતાના જીવનમાં કંઈક હાંસલ કરી શકી હોત. આમ અનુકૃતિએ વિચાર્યું કે હું કંઇક એવું કરીશ જેનાથી લોકો ઇન્સ્પીરેશન મેળવીને પોતાના જીવનમાં કઈ કરી શકે.
અનુકૃતિએ જયપુરની ઈન્ડો ભારત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પોતાનો શરૂઆતનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ કોલકતામા જિયોલોજિકલ સાયન્સ બીએમએસમા ગ્રેજ્યુએશન કર્યું. અનુકૃતિએ નેટની એકઝામ પણ પાસ કરી હતી. ત્યારબાદ તે પીએચડી પૂરું કરવા માટે યુ.એસ.એ જતી રહી. ત્યાંથી આવ્યા બાદ અનુકૃતિના લગ્ન થઈ ગયા.
મોટાભાગની છોકરીઓ લગ્ન પછી ભણવાનું છોડી દે છે. લગ્ન બાદ તે ઘરનું ધ્યાન રાખે છે અથવા નાની મોટી નોકરી કરે છે, પરંતુ અનુકૃતિએ એવું કર્યું નહીં. લગ્ન બાદ અનુકૃતિએ યુપીએસસી પરીક્ષા દેવાનું અને સિવિલ સર્વિસ જોઈન્ટ કરવાનું નક્કી કર્યું. ઘર સંભાળવાની સાથે સાથે આવો મુશ્કેલ નિર્ણય લેવો અનુકૃતિ માટે કઠિન હતો પરંતુ છતાં પણ તેણે હિંમત રાખીને યુપીએસસી પરીક્ષા આપવાનું નક્કી કર્યું.
અનુકૃતી પાસે એટલો સમય પણ નહોતો કે તે ઘર છોડીને બીજા શહેરમાં જઈને અભ્યાસ કરે. સફળતાનો રસ્તો મુશ્કેલ હતો પરંતુ તેમણે નક્કી કરી લીધું કે મારે પરીક્ષા આપવી છે અને ત્યાર પછી તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નહીં. એવું નથી કે અનુકૃતિએ પહેલા પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. તેમને પરીક્ષા પાસ કરવા માટે પાંચ વર્ષ કરતાં પણ વધારે સમય લાગ્યો હતો.
તેમના પાંચ પ્રયાસોમાં તેમણે બે વાર યુપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી. આ પછી અનુકૃતિએ ત્રણ વાર માત્ર મેન્સ પરીક્ષા પાસ કરી હતી. વર્ષ 2017 માં તેમણે પરીક્ષાના ત્રણેય ચરણો પાસ કરીને સમગ્ર ભારતમાં 355 મોં રેન્ક પ્રાપ્ત કર્યો હતો, પરંતુ આઈએએસ તરીકે તેમનું સિલેક્શન થયું નહી. પરંતુ તેમને વિશ્વાસ હતો કે તે કંઈક વધારે સારું કરી શકે છે. એક તરફ જોઈએ તો આ ઘણું મુશ્કેલ કામ હતું કારણ કે આગળનો પ્રયાસ અનુકૃતિ માટે અંતિમ પ્રયાસ હતો.
જો છેલ્લા પ્રયાસમાં તેમનું સિલેક્શન ના થયું હોત તો તેમના સપનાઓ તૂટી ગયા હોત પરંતુ અનુકૃતિએ ખૂબ મહેનત કરી. વર્ષ 2018 માં સારી તૈયારી કરી અને વર્ષ 2019 માં તેમણે પાંચમી વાર પરીક્ષા આપી ત્યારે તેમની મહેનત રંગ લાવી અને તેમને ઓલ ઇન્ડિયા રેન્ક 128 પ્રાપ્ત થયો. આખરે અનુકૃતિનું આઇએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું થયું.
અનુકૃતિએ યુપીએસસી પાસ કરવા માટે કોઈપણ કોચિંગ સંસ્થાનો સહારો લીધો નહોતો. પરંતુ ઇન્ટરનેટનો ઉપયોગ કરી જાતે જ તૈયારી કરી હતી. અનુકૃતિએ પરીક્ષાની જાણકારીથી લઇને પોતાના જવાબો ટોપર્સના જવાબો સાથે મેચ કરવા સુધીનું તમામ કામ ઈન્ટરનેટની મદદથી કર્યું. તેમનું માનવું હતું કે ઈન્ટરનેટથી મોટું કોઈ ગુરુ નથી. આ જ કારણ હતું કે તેઓ વગર કોચિંગે પોતાની મંઝિલ સુધી પહોંચી શક્યા. તેઓ જણાવે છે કે જે ક્ષેત્રમાં તમારે જાણકારી મેળવવી હોય તેના વિશે તમે ઇન્ટરનેટ પર જાણી શકો છો. અનુકૃતિએ ખૂબ મહેનત કરીને પોતાનું સપનું સાકાર કર્યું છે.