સંયુક્ત અરબ અમીરાત એટલે કે દુબઇએ ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા પહેલા ભારત પર લગાવેલો એક પ્રતિબંધ હટાવી દીધો છે. દુબઇએ ભારતમાંથી ઈંડા અને અન્ય પોલ્ટ્રી ઉત્પાદનોની આયાત પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. દુબઈનું આ પગલું ભારત સરકારના એ નિર્ણય પછી ભર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર બર્ડ ફ્લૂના સંક્રમણને રોકવા માટે વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નિર્ધારિત જૈવ સુરક્ષા માપદંડોનું પાલન કરશે. અધિકારીઓએ કહ્યું છે કે ભારત તમિલનાડુની બે જગ્યાએથી ઈંડાની નિકાસ કરશે.
બર્ડ ફ્લૂની ચિંતાને કારણે લગભગ છેલ્લા પાંચ વર્ષથી પોલ્ટ્રી આયાત પર પ્રતિબંધ લગાવેલો હતો. ભારત દુબઇ સાથે વેપાર સમજુતીને લઈને વાતચીત કરી રહ્યું છે અને આ કારણે જ ભારતે માંગ કરી હતી કે, ઈંડાની આયાત પર લગાવેલો પ્રતિબંધ હટાવવામાં આવે.
ભારત સરકાર દુબઇ સાથે વેપાર સમજુતી હેઠળ કેટલાક ઉત્પાદનોની નિકાસ વધારવા માંગે છે. જેમાં પોલ્ટ્રી, વોશિંગ મશીન, એર કંડીશનર, રેફ્રિજરેટર, મસાલા, તમાકુ, સુતરાઉ કાપડ, કપડાં અને ચામડા સહીત 1100 વસ્તુઓનો સમાવેશ થાય છે. દુબઇ પણ આપણી મીઠાઈ અને ખાંડની બનેલી અન્ય વસ્તુઓ ભારત પાસેથી ખરીદવા માંગે છે.
દુબઇ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે. નાણાકીય વર્ષ 2020 માં બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર લગભગ 60 અબજ ડોલર હતો. લગભગ 29 બિલિયન ડોલરના નિકાસ મૂલ્ય સાથે દુબઇ અમેરિકા પછી ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજાર હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઇની મુલાકાત દરમિયાન ભારત-દુબઇ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ની જાહેરાત કરે તેવી શક્યતા છે. CEPA વેપાર કરાર ગલ્ફ ક્ષેત્રમાં ભારતનો આ પ્રકારનો પ્રથમ કરાર હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, માલસામાનના વેપાર ઉપરાંત આ કરાર ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. જેનાથી આપણને રોકાણમાં ફાયદો થાય છે અને દુબઇ સાથે લાંબા ગાળાના બિઝનેસ વિઝા પણ મળે છે.
ભારત સરકારે આ ધંધાકીય સમજુતી હેઠળ ડ્યુટી મુક્તિનો દાવો કરવા માટે તેના માલની કિંમતમાં 35 ટકા વધારો કરવાનો આગ્રહ કર્યો છે. જેથી વેપાર માર્ગોના પુન રૂટિંગ દરમિયાન કોઈપણ પ્રકારના ટેક્સનું ઉલ્લંઘન ન થાય. આ જરૂરી છે કારણ કે દુબઇ ટ્રાન્સ શિપમેન્ટ હબ છે.