આજના સમયમાં લોકો ખૂબ મહેનત કરીને સરકારી પરીક્ષા પાસ કરીને પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે. દક્ષિણ ગુજરાતના ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામમાં રહેતી અમિતા પટેલે જીપીએસસીની ક્લાસ ટૂ પરિક્ષા પાસ કરીને ઓલપાડ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. ખાસ વાત એ છે કે અમિતાએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે.
અમિતાના પિતાના અવસાન બાદ તેની માતાએ મજૂરી કરીને પુત્રીને ભણાવી હતી. અમિતા હાલ ધંધુકામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તેમના વતનમાં જ્યારે અમિતા આવ્યા ત્યારે તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમના વતનના અને સમાજના લોકો પણ અમિતાની આ સફળતા માટે ગૌરવ અનુભવે છે.
ઓલપાડના અસ્નાબાદ ગામના નાનકડા પરિવારના રાકેશભાઈ સુરતની એક ખાનગી કુરિયર કંપનીમાં ડિલેવરી મેન તરીકે નોકરી કરતાં હતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતાં હતાં. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. રમેશભાઈ પાસે પૈસા ન હોવાથી તેમણે પોતાના પુત્ર અને પુત્રીને અસ્નાબાદની સરકારી પ્રાથમિક શાળામાં ભણાવ્યા હતાં.
અમિતા પટેલ માત્ર 16 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. પિતાના અવસાન બાદ અમિતાએ સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કર્યો અને આગળ વધી હતી. અમીતાની ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેના પિતાના અવસાન બાદ તેની માતાએ મજૂરી કરીને પુત્રીને ભણાવી. અમિતાએ ખૂબ મહેનત કરી અને કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો.
જીપીએસસી પરીક્ષા પાસ કરીને હાલ સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતી અમિતા પટેલ જ્યારે પોતાના વતન અસ્નાબાદ ખાતે આવી ત્યાર તેણે કહ્યું હતું કે, માત્ર જીપીએસસી સુધી સીમિત નથી રહેવું, મારે GES પાસ કરી ક્લાસ વન અધિકારી બનવું છે. તેમણે કહ્યું કે મારે પગભર થઈને મારા સમાજમાં ગરીબ પરિવારની દીકરીઓને અભ્યાસ કરવામાં મદદરૂપ થવું છે.
અમિતા પટેલે રાજ્ય સરકારની નોકરીમાં ક્લાસ વન સુધીના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવાની પોતાની વ્યક્ત કરી હતી.જો કે અમિતા પટેલના દાદા કલ્યાણભાઇ ઈરિગેશન વિભાગમાં ચોકીદાર તરીકે નોકરી કર્યાં બાદ નિવૃતિ જીવન ગુજારી રહ્યા છે, ત્યારે જે વિભાગમાં દાદા ચોકીદાર તરીકે નિવૃત થયા હતા એ જ વિભાગમાં તેની પૌત્રી અમિતા પટેલ હાલ અધિકારી બની ફરજ બજાવી રહી છે.
અમીતા પટેલે સરકારી નોકરી મેળવીને પોતાના પિતાનું સપનું સાકાર કર્યું. વર્ષ 2016 માં સુરતની સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં સિવિલ એન્જીનીયરીંગ પાસ કર્યા બાદ અમિતા નોકરી પણ કરતી હતી. પરંતુ અમિતાને સમાજ અને દેશ માટે કંઈ કરવું હતું. જેથી નોકરીની સાથે સાથે અમિતાએ GPSC ની તૈયારી કરતી હતી. એકવારની નિષ્ફ્ળતા બાદ અમિતાએ ફરી વર્ષ 2020 માં પરીક્ષા આપી હતી. જેમાંથી 49 લોકોની નિમણુંક થઈ હતી જેમાં અમિતા પટેલે સફળતા પ્રાપ્ત કરી.