કહેવાય છે કે જો ધ્યેય નિશ્ચિત હોય અને તમે સખત મહેનત કરતા રહો તો તમને સફળતા મળે જ છે. બિહારની સંપ્રીતિ યાદવે આ વાતને સાચી સાબિત કરી છે. કેટલાક બાળકો એવા હોય છે જે પોતાના પરિવારનું નામ રોશન કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે. ખૂબ લગનથી ભણાવામાં ધ્યાન આપીને ઉચ્ચ કક્ષાએ સ્થાન મેળવતા હોય છે તેવી જ કહાની છે સંપ્રીતી યાદવની.
બિહારના પટનાની સંપ્રીતિ યાદવને ગૂગલે 1.10 કરોડ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું છે. પટનાના નહેરુ નગરમાં રહેતી સંપ્રીતિના પિતા રામશંકર યાદવ નાણાકીય સંસ્થાના અધિકારી છે અને તેમની માતા શશી પ્રબા આયોજન અને વિકાસ વિભાગમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. પોતાના માતા પિતાના સપનાઓને સાકાર કરવા માટે સંપ્રિતીએ ખૂબ મહેનત કરી. જેથી આજે વિદેશમાંથી પણ તેમને નોકરીની ઑફર આવી રહી છે.
સંપ્રીતિ પહેલેથી જ ભણવામાં હોશિયાર હતી. તેમણે નોટ્રે ડેમ એકેડેમીમાં 2014 માં દસમા ધોરણની પરીક્ષા 10 સીજીપીએ સાથે પાસ કરી હતી. 2016 માં તેમણે જેઇઇ-મેઇન્સ પરીક્ષા પાસ કરી. બાળપણથી જ તેમને કમ્પ્યુટર એન્જિનિયર બનવાનો શોખ હતો અને ગણિત તેમનો પ્રિય વિષય હતો. અભ્યાસ ઉપરાંત સંપ્રિતીને સંગીત, નાટક અને રમતગમતમાં પણ રસ છે. તેણે નુક્કડ નાટકોમાં પણ ભાગ લીધો હતો અને ત્રણ વર્ષ સુધી સંગીત પણ શીખ્યું હતું.
મે, 2021 માં સંપ્રિતીએ દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી ટેકની ડિગ્રી પૂરી કરી હતી. સંપ્રિતીને માઇક્રોસોફ્ટ, એડોબ અને ફ્લિપકાર્ટ તરફથી નોકરીની ઓફર પણ મળી હતી. સંપ્રિતીએ માઈક્રોસોફ્ટ સાથે 44 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર કામ કરવાનું શરૂ કર્યું. એક ઇન્ટરવ્યુમાં સંપ્રીતિએ કહ્યું હતું કે ગૂગલે તેમનું રેઝ્યુમે જોઈને તેમને શોર્ટલિસ્ટ કરી હતી. ગૂગલે 9 રાઉન્ડના ઇન્ટરવ્યુ બાદ સંપ્રિતીને 1.10 કરોડ રૂપિયા પગારનું પેકેજ ઓફર કર્યું છે.