દ્રઢ આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળ સાથે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ સફળતા મેળવી શકાય છે. આવી જ કહાની તમને આજના લેખમાં જાણવા મળશે. યુવતીને પોતાના લગ્ન બાદ પતિએ છ વર્ષના બાળક સાથે કાઢી મુકેલી, પરંતુ આજે આ મહિલા લીંબુપાણી વેચીને પરીક્ષાની તૈયારી કરી પોલીસ સબ ઇન્સ્પેકટર બની ગઈ.
કેરળના શહેરમાં જે મહિલાએ જ્યાં એક સમયે પ્રવાસીઓને લીંબુ પાણી અને આઈસ્ક્રીમ વેચીને પોતાનું પેટ ભર્યું હતું, આજે તે જ પોલીસ સ્ટેશનમા મહિલા સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ પર જોડાઈ છે. આ કહાની છે 31 વર્ષની એની શિવાની કે જેમને પોતાના જીવનમાં ઘણી કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો અને પોતાના સપના સાકાર કર્યા.
જ્યારે એની 18 વર્ષની હતી ત્યારે તેના પતિએ તેને છોડી દીધી હતી. ખોળામાં પોતાના માસુમ બાળકને લઈને કેટલીક ઠોકર ખાવાવાળી એની પાસે ન તો માથે છત હતી કે ન તો પેટ ભરવા માટે કમાવાનું કોઈ સાધન હતું. ખુબ જ વિકટ પરિસ્થિતિમાં પરિવારે પણ આશરો આપવાની ના પાડી હતી.
આવા મુશ્કેલ સમયમાં એનીએ હાર ન માની. તેના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું. એનીના જીવનની ચિંતા તેના દાદીએ દૂર કરી. એનીએ પોતાનું પેટ ભરવા માટે પ્રવાસીઓને લીંબુ પાણી અને આઈસ્ક્રીમ વેચવાનું શરૂ કર્યું. તેણીએ ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો અને આજે તે 31 વર્ષની વયે તે કેરળના વર્કલા પોલીસ સ્ટેશનની સબ ઇન્સ્પેક્ટર બની છે.
પોતાની સફળતા વિશે વાત કરતા એનીએ કહ્યું કે મને ખબર પડી કે થોડા દિવસો પહેલા જ મારી પોસ્ટિંગ વર્કલા પોલીસ સ્ટેશનમાં થઈ છે, આ એવી જગ્યા છે જ્યાં મેં મારા બાળક શિવસૂર્ય સાથે આંસુ વહાવ્યા છે, તે સમયે મને સાથ આપનાર કોઈ ન હતું.
તેઓ જણાવે છે કે વરકલા શિવગીરી આશ્રમના સ્ટોલ પર લીંબુ પાણી અને આઈસ્ક્રીમવેચ્યું, પરંતુ બધું ફ્લોપ થયું. પછી એક વ્યક્તિએ મને પોલીસ સેવાની તૈયારી કરવાની સલાહ આપી અને તેણે પણ આમાં મને મદદ કરી. આમ મેં પોલીસ બનવાનું નક્કી કર્યું.
એનીએ કાંજીરામકુલમની કેએનએમ સરકારી કોલેજમાં અભ્યાસ કર્યો. તેના ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં, એની પરિવારની વિરુદ્ધ ગઈ અને તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કર્યા. તેણે પહેલા પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બાદમાં ડિસ્ટન્સ લર્નિંગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. સિંગલ મધર હોવાની સાથે જ એનીએ કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે વાળ બૉયકટ રાખ્યા. તે ઈચ્છતી ન હતી કે લોકો તેની સામે ખરાબ નજરે જુએ.
એનીના સંબંધીઓએ તેને પોલીસ ઓફિસરની નોકરી માટે અરજી કરવા પ્રેરણા આપી. તેણે થોડા પૈસા ઉછીના પણ આપ્યા. વર્ષ 2016 માં એની પોલીસ ઓફિસર બની. જોકે ત્રણ વર્ષ પછી તેણે સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી. દોઢ વર્ષની તાલીમ બાદ તેમણે પ્રોબેશનરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
એનીએ જણાવ્યું કે તે હંમેશા ભારતીય પોલીસ સેવાની ઓફિસર બનવા માંગતી હતી. મારા પિતા પણ એવું જ ઈચ્છતા હતા, પરંતુ સંજોગોએ તેમને ક્યારેય સાથ આપ્યો નહીં. એનીને સોશિયલ મીડિયા પર લોકો તરફથી મળતા સમર્થન અને પ્રેમથી ગર્વ મેહસૂસ કરે છે અને લાગણીશીલ છે.
એની શિવાનીએ કહ્યું કે લોકોએ એકબીજાને મદદ કરવી જોઈએ. તેણીએ કહ્યું કે, તમામ વિષમતાઓનો સામનો કરીને હું અહીં સુધી પહોંચી શકી છું. જો અન્ય મહિલાઓને તેમના જીવનમાં આગળ વધવા માટે હું પ્રેરણા રૂપ થાવ તો હું ખુશ છું.
એનીની સફળતા માટે તેણીને અભિનંદન આપતા, કેરળ પોલીસે ટ્વિટ કર્યું, આ ઇચ્છા અને આત્મવિશ્વાસનો સાચો નમૂનો છે. એક 18 વર્ષની છોકરી જેને તેના પતિ અને પરિવાર દ્વારા તેના છ મહિનાના બાળક સાથે ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી, તે હવે 31 વર્ષની ઉંમરે વર્કલા પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેક્ટર બની ગઈ છે.