ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં સાયક્લોનિક ડિસ્ટર્બન્સને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે ત્યારે હવામાન વિભાગે હજુ બે દિવસે વરસાદ થશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિ યથાવત રહેશે.
છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફેરફાર થતા ઠંડીનું જોર પણ વધ્યું છે. ગઈ કાલથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ બે દિવસ વરસાદની આગાહી કરી છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
કમોસમી વરસાદ થતા ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાક બાદ વાતાવરણમાં પલટો આવતા માવઠાથી રાહત મળશે. પરંતુ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. આગામી 9 જાન્યુઆરી બાદ તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થતા ઠંડીના પ્રમાણમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે ગત બુધવારથી વાતાવરણમાં પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે રસ્તા પણ ભીના થઇ ગયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ થયો હતો. ગીર સોમનાથ, દ્વારકા, જામનગર તથા રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.