ગુજરાતના આ મંદિરે માત્ર દર્શન કરવાથી દૂર થાય છે શનિની પનોતી, મહાભારત સમયે પાંડવો પણ અહીં દર્શન કરવા આવેલા

Religious

ગુજરાતમાં ઘણા બધા મંદિરો આવેલા છે. જેમાં જામનગર જિલ્લામાં આવેલા ભાણવડ નજીક હાથલા ગામ આવેલું છે જે શનિદેવનું જન્મસ્થળ છે. અહીં વર્ષો જૂનું શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. દેશ વિદેશથી ભક્તો આ મંદિરે દર્શન કરવા આવે છે. કહેવાય છે કે આ શનિદેવનું સૌથી પ્રાચીન મંદિર છે.

ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને અહીંથી શનિદેવની સાતમી સદીની મૂર્તિ તથા શનિકુંડ સહિતની કેટલીક વરસતુઓ મળી હતી. કહેવાય છે કે ખોદકામ દરમિયાન મળી આવેલા આ અવશેષો 1500 વર્ષ જુના છે. હાથલા ગામના આ મંદિરમાં હાથીની સવારી ઉપર શનિદેવની આ પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે તથા શનિકુંડ પણ આવેલો છે.

મળતી માહિતી અનુસાર પ્રાચીન સમયમાં મૈત્રકાલીનકાળ દરમિયાન આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ મંદિર વિષે એવું કહેવામા આવે છે કે શનિદેવ પોતે હાથીની સવારી ઉપર અહીં આવ્યા હતા અને અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું. લોકો હાથી પર બિરાજમાન શનિદેવને જોવા માટે અહીં આવે છે.

શનિશ્વરી અમાસના દિવસે તો અહીં મોટો મેળો ભરાય છે જેમાં દૂર દૂરથી લોકો અહીં શનિદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. લોકો અહીં આવીને પોતાની પનોતી દૂર કરવા માટે અને શનિદોષથી બચવા માટે પ્રાર્થના કરે છે. શનિદેવ પોતાના દ્વારે આવતા દરેક ભક્તોની મનોકામના પુરી કરે છે.

કહેવાય છે કે શનિદેવનું આ એક માત્ર મંદિર છે જ્યાં સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો બન્ને શનિદેવની પૂજા કરી શકે છે. હાથલાના આ મંદિરમાં શનિદેવની પૂજા કરવા માટે ભક્તોની લાંબી લાઇનમા હોય છે. શનીદેવના આ મંદિરની બહાર શનિકુંડ આવેલો છે જે ખુબ પ્રાચીન છે.

લોકવાયકા મુજબ સાડા પાંચ હાજર વર્ષો પહેલા જયારે પાંડવો કૌરવો સામે ચોપાટ રમીને હારી ગયા હતા ત્યારેવ ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહ્યું હતું કે તેમની ઉપર શનિદોષ છે જેથી જો પાંચેય ભાઈઓ શનિધામ જઈને શનિકુંડમાં સ્નાન કરશે તો તેમના પર શનિની કૃપા વરસશે.

પૌરાણિક કથા અનુસાર પાંડવોએ આ કુંડમાં સ્નાન કર્યું ત્યારબાદ જ તેમનો કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય થયો હતો. આમ આજે પણ હજારો ભક્તો શનિકુંમાં સ્નાન કરી પોતાની પનોતી દૂર કરે છે. આ કુંડ સાથે એક માન્યતા જોડાયેલી છે કે જો મામા ભાણેજ સાથે આવીને આ કુંડમાં સ્નાન કરે તો તેમને ક્યારેય પણ શનિની પનોતી નડતી નથી.

કહેવાય છે કે પ્રાચીન સમયમાં મુગદ્દલ ઋષિ અહીં રહ્યા હતા અને શનિદેવની ભક્તિ કરી હતી. ત્યારે ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શનિદેવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે જે પણ વ્યક્તિ મામા અને ભાણેજ સાથે અહીં આવશે તેમને કઠોર દ્રષ્ટીમાંથી મુક્તિ મળશે. આમ શનિની નોતી દૂર રાખવા શનિકુંડમાં મામા ભાણેજ સાથે સ્નાન કરે છે.

કહેવાય છે કે અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી આ ગામનું નામ હાથલા પડ્યું છે. આ મંદિરે પનોતી વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે લોકો પનોતી દૂર કરવા માટે આ મંદિરમાં પગરખાં ઉતારીને જાય છે. આ મંદિરમાં શનિદેવની સાથે સાડસાતી અને અઢી વર્ષની પનોતીની મૂર્તિ પણ છે. અહીં અમાસ અને શનિવારના દિવસે તહેવાર જેવો માહોલ હોય છે.

Leave a Reply

Your email address will not be published.