ફરી એકવાર કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે આપી દીધું યલો એલર્ટ

Weather

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ રહ્યો છે. જોકે 9 જાન્યુઆરીથી માવઠાની અસર ઓછી થઇ છે. પરંતુ કમોસમી વરસાદને કારણે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભુજ, રાજકોટ અને કંડલામાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે. ઠંડીના પ્રમાણમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. 12 જાન્યુઆરી સુધી ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઇ શકે છે.

રાજ્યમાં અમદાવાદ સહીત કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેથી લોકો કડકડતી ઠંડી વચ્ચે ધ્રૂજી રહ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી તાપમાન 12 ડિગ્રી આસપાસ થતા ઠંડીના પ્રમાણમાં વધારો થશે તેવું જણાવ્યું છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ધ્રૂજી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, 9 જાન્યુઆરી બાદ ઠંડીના પ્રમાણમાં વધારો પણ સર્જાઈ શકે છે, જેના ભાગ રૂપે 16 જાન્યુઆરી આસપાસ કમોસમી વરસાદ થઇ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જેથી કેટલાક ખેડૂતોના પાકને નુકસાન પણ થયું છે. દેવભૂમિ દ્વારિકા, ખંભાળિયા, પોરબંદર, જામનગર, ભરૂચ, કાલાવડ વગેરે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, 16 જાન્યુઆરી આસપાસ ફરી એકવાર માવઠાની સ્થિતિ સર્જાશે.

Leave a Reply

Your email address will not be published.