મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યનું રાશિ પરિવર્તન ઘણું વિશેષ હોય છે. સૂર્યને બધી રાશિઓના રાજા માનવામાં આવે છે. લોકો મકરસંક્રાંતિના દિવસે ખુબ દાન કરે છે.
આ વખતે મકરસંક્રાંતિના દિવસે સૂર્યના ગોચરથી ખરમાસ પૂરો થશે, અને વસંત ઋતુના આગમનના પણ સંકેત મળે છે. મકરસંક્રાંતિનો અદ્દભુત સંબંધ મહાભારત કાળ સાથે પણ છે. જેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. આ કહાની ભીષ્મ પિતામહ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે ભીષ્મ પિતામહ ઘણા દિવસ સુધી બાણોની શૈયા ઉપર રહ્યા હતા. ત્યારબાદ પ્રાણનો ત્યાગ કરવા માટે તેમણે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી.
પૌરાણિક કથા અનુસાર 18 દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે 10 દિવસ સુધી કૌરવો તરફથી યુદ્ધ લડ્યું હતું. રણભૂમિમાં ભીષ્મ પિતામહના યુદ્ધ કૌશલ્યથી પાંડવ વ્યાકુળ હતા. પાછળથી પાંડવોએ શિખંડીની મદદથી ભીષ્મને ધનુષ્ય છોડવા મજબુર કર્યા હતાં. ત્યારબાદ અર્જુને એક પછી એક ઘણા બાણ દ્વારા તેમને ધરતી ઉપર પછાડી દીધા.
પૌરાણિક કથા અનુસાર ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું જેથી તેમને મારવાની કોઈની તાકાત નહોતી. ઈચ્છા વરદાનને કારણે અર્જુનના બાણોથી ખરાબ રીતે ઈજા થઈ હોવા છતાં પણ તેઓ જીવિત રહ્યા. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી હસ્તિનાપુર દરેક રીતે સુરક્ષિત ન થઇ જાય, ત્યાં સુધી તેઓ પ્રાણ નહિ ત્યાગે.
આ સાથે જ ભીષ્મ પિતામહે તેમના પ્રાણ ત્યાગવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની પણ રાહ જોઈ. કારણ કે આ દિવસનું અનોખું મહત્વ છે. આ દિવસે પ્રાણ ત્યાગવા વાળાને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભીષ્મ પિતામહ ઉત્તરાયણના દિવસે દેહ ત્યાગ કરવા ઈચ્છતા હતા જેથી તેઓ બાણની શય્યા પર હોવા છતાં તેમનું મૃત્યુ થયું નહિ.
ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ જણાવતા કહ્યું છે કે, 6 માસના શુભ કાળમાં જયારે સૂર્ય દેવ ઉત્તરાયણ થાય છે અને ધરતી પ્રકાશમયી બને છે, તે સમયે શરીર ત્યાગવાવાળા વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો. એવા લોકો સીધા બ્રહમને પ્રાપ્ત થાય છે, એટલે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ કારણ છે કે ભીષ્મ પિતામહે શરીર ત્યાગવા માટે સૂર્યના ઉત્તરાયણ થવા સુધી રાહ જોઈ હતી. આમ તેમણે ઉત્તરાયણના દિવસે દેહ ત્યાગ કર્યો હતો.