એક પ્રામાણિક કઠીયારાની વાર્તા તો આપણે બધાએ સાંભળી જ છે, જે તેની પ્રામાણિકતાને કારણે સોના અને રત્નો જડેલી કુહાડીઓ મેળવે છે અને એક જ દિવસમાં ધનવાન બની જાય છે. પણ અમે તમને આજના યુગના એક ગરીબ કઠીયારાની સાચી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે રાતોરાત અમીર બની ગયો. અહીં ફરક માત્ર એટલો જ છે કે આ કઠીયારાનું નસીબ એવું છે કે તેની નવી નવી સંપત્તિ તેના જીવનની જાળ બની ગઈ.
આ સમાચાર છે બિહારના કિશનગંજના. અહી રહેતો એક ગરીબ કઠીયારો રાતોરાત કરોડપતિ બની ગયો. તે કરોડપતિ બનતા જ આસપાસના લોકો અલગ અલગ કહાનીઓ બનાવી રહ્યા છે, પરંતુ સત્ય કોઈને ખબર નથી. કોઈને ખબર નથી કે આખરે તેના હાથમાં એવો તે કેવો ખજાનો આવ્યો કે જેણે તેને રાતોરાત અમીર બનાવી દીધો.
કઠીયારાની આ અમીરી હવે તેના માટે ફાંસો બની ગઈ છે. કારણ કે જિલ્લા વહીવટીતંત્રેએ હકીકત જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે કે, લાકડા કાપનાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી. કિશનગંજની તેઉસા પંચાયતના લોકોમાં અલગ અલગ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે.
આ ગ્રામજનોનું માનવું છે કે, 15 દિવસ પહેલા કઠિયારો લતીફ અને તેના પુત્ર ઉબેલુદલને ક્યાંકથી ખજાનો મળ્યો હતો. આ જ ખજાનાના કારણે કઠિયારાનો પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો. બીજી તરફ લોકોમાં બીજી અફવા એ છે કે કઠિયારા લતીફે બંગાળમાંથી લોટરી ખરીદી હતી .કારણ કે બિહારમાં લોટરીની ટિકિટ પર પ્રતિબંધ છે. તેની આ જ લોટરીમાં તેને કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે.
લોકોમાં એવી વાત પણ ફેલાઈ રહી છે કે, લતીફે અમીર બનતાની સાથે જ તેના સાત સંબંધીઓને બાઈક ભેટમાં આપી છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે તે જ ગામમાં અનેક વીઘા જમીન ખરીદી છે અને એક નવું ટ્રેક્ટર ખરીદવાની સાથે નવા મકાનનું બાંધકામ પણ શરૂ કર્યું છે.
રાતોરાત કઠિયારના નસીબ બદલવાની જ્યારે જિલ્લા વહીવટી તંત્રને જાણ થઈ ત્યારે એસડીએમ શાહનવાઝ અહેમદ નિયાઝીએ તરત જ કઠિયારાની તપાસના આદેશ આપ્યા. ડેપ્યુટી કલેકટરએ કહ્યું કે તેની પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસમાં આવકવેરા વિભાગ અને ED ની મદદ લેવામાં આવશે.
કલેકટરને શંકા છે કે આ મની લોન્ડરિંગનો મામલો હોઈ શકે છે અને આ કેસમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. તપાસ દરમિયાન આ તમામ બાબતોનો પર્દાફાશ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસની જાણ થતાં જ લાકડા કાપનાર પોતાના પુત્ર સાથે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. અત્યારે બધાને એક જ સવાલ છે કે લતીફ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. આ સવાલ સાથે જોડાયેલી ઘણી અફવાઓ છે પરંતુ હજુ સુધી કોઈની પાસે સચોટ જવાબ નથી.