માતા પિતા તેમના બાળકોને રમવા માટે હાથમાં મોબાઈલ આપે છે. બાળકોને મોબાઈલમાં શાંતિથી કાર્ટૂન જોતા જોઈને વાલીઓ વિચારે છે કે કમ સે કમ થોડીવાર શાંતિ તો મળે. પરંતુ માતા પિતાની આ ભૂલ તેમને ખોટમાં પણ નાખી શકે છે. જેવી રીતે 22 મહિનાના આયંશના માતા પિતાને ખોટ સહન કરવી પડી હતી.
આ ઘટના ન્યુ જર્સીની છે, જ્યાં માતાના ફોન સાથે રમતી વખતે બાળકે કંઈક એવું કર્યું કે માતા પિતા દંગ રહી ગયા. આજના યુગમાં તમારે કોઈ પણ સામાન મેળવવા માટે વિચારવાની જરૂર નથી. હવે આખું બજાર તમારા હાથમાં પકડેલા મોબાઈલ પર ઉતરી આવ્યું છે. આ ઓનલાઈન શોપિંગથી લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ ન્યુ જર્સીના આ માતા પિતા માટે આ ઓનલાઈન શોપિંગ ખોટ સાબિત થઈ છે.
હકીકતમાં ન્યુ જર્સીમાં રહેતા એક ભારતીય દંપતિએ તેમના 22 મહિનાના બાળકના હાથમાં મોબાઈલ આપ્યો જેથી તે આરામ કરી શકે. પરંતુ તેમના આ આરામથી તેમના બેંક ખાતામાંથી 1.4 લાખ રૂપિયા ઉડી ગયા. હકીકતમાં આ બાળકે ઘરે બેઠાં જ મોબાઇલ દ્વારા 1.4 લાખનું ફર્નિચર મંગાવ્યું હતું.
બાળકના માતા પિતાને આ અંગે કોઈ માહિતી ન હતી. જ્યારે એક પછી એક તેના ઘરે ફર્નિચર પહોંચાડવામાં આવી રહ્યું હતું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. લગભગ બે વર્ષનો આયંશ અમેરિકામાં રહેતા ભારતીય દંપતી મધુ અને પ્રમોદ કુમારનો પુત્ર છે. આયંશને વાંચતા લખતા આવડતું નથી પરંતુ તેને ઓનલાઈન શોપિંગનું સંપૂર્ણ જ્ઞાન છે.
જો કે આ નાના બાળકને ખબર નથી કે ઘરમાં કઈ વસ્તુઓની જરૂર છે અને કઈ નથી. તેથી જ વિચાર્યા વિના આ બાળકને તેની માતાના ફોનથી લગભગ 1.4 લાખ રૂપિયાનું ફર્નિચર મંગાવી લીધું. જોકે આયંશની માતાના ફોનમાં વિવિધ પ્રકારના ફર્નિચર ઓનલાઈન શોપિંગ સાઈટના કાર્ટમાં પહેલેથી જ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમની કુલ કિંમત 1.4 લાખ હતી.
આયંશે મોબાઈલમાં રમતા રમતા તેના ઘરના સરનામે કાર્ટમાં રાખેલ તમામ ફર્નિચરનો ઓર્ડર આપ્યો. માતા પિતાને હજુ પણ આ વાતની જાણ ન હતી, પરંતુ જ્યારે તેમના ઘરે ફર્નિચરની ડિલિવરી થવા લાગી ત્યારે માતાએ તેનું શોપિંગ એકાઉન્ટ ચેક કર્યું. આ પછી તેને સમજાયું કે તેના શોર્ટ લિસ્ટેડ તમામ ફર્નિચરનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
એકે રિપોર્ટ અનુસાર આયંશ તેના માતા પિતા પાસેથી સ્ક્રીન સ્વેપિંગ અને ટેપિંગ શીખ્યો હયો. આ ભૂલ બાદ આયંશના પેરેન્ટ્સે તેમના ફોનની સિક્યોરિટી સેટિંગ્સને વધુ મજબૂત કરી છે. આ ઘટના અન્ય વાલીઓ માટે પણ બોધપાઠ સમાન છે. જો તમે બાળકોના હાથમાં મોબાઈલ આપો છો તો તમારી પણ ફરજ છે કે તેઓ તમને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખો. જેથી તમને આ રીતે નુકસાન ન થાય.