કોરોનાની ત્રીજી લહેર આવતા અચાનકથી કેસ વધવા લાગ્યા હતા. જેથી ફરી શાળા કોલેજો બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ઓફલાઈન શિક્ષણ બાબતે નિવેદન આપ્યું છે. વાલીઓ દ્વારા ઓફ્લાઈન શિક્ષણ બાબતે માંગ કરવામાં આવી છે. ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
ઓનલાઇન શિક્ષણને કારણે બાળકોને ઘણી અડચણો આવે છે. પરંતુ બાળકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજો બંધ કરવામાં આવી છે. કોરોનાના વધતા જતા કેસને કારણે ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન જીતુ વાઘાણી રાજકોટ હાજર રહ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતુ કે બાળકોની સુરક્ષા બાબતે કોઈ સમાધાન કરવામાં નહિ આવે.
શિક્ષણમંત્રીએ આ અંગે જણાવ્યુ હતુ કે વાલીઓની જેમ સરકાર પણ સંવેદનશીલ છે. કોરોનાને લીધે શિક્ષણમાં ઘણુ નુકસાન થયુ છે પરંતુ સરકાર કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. જ્યારે પણ સરકાર નિર્ણય લેશે ત્યારે કોરોનાની સ્થિતિ અને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને જ નિર્ણય લેશે. કોરોનાને લીધે શિક્ષણમાં નુકસાન થયુ છે પરંતુ સાથે સાથે બાળકોની ચિંતા કરવી પણ જરુરી છે.
થોડા સમય પહેલા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ ખોલવામાં આવી હતી પરંતુ વધતા જતા કોરોનાં કેસને કારણે હાલ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાતો છે. આ ઉપરાંત કોરોના કાળમાં શાળાની ફી વધારા મુદ્દે પણ જીતુ વાઘાણીએ કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, હાઈકોર્ટની સૂચના મુજબ FRC સ્વતંત્ર બની છે. FRC હાઇકોર્ટે નીમેલી કમિટી છે અને સરકારને એની સાથે કોઇ નિસબત નથી.
ગુજરાતમાં એક ફેબ્રુઆરીથી ધોરણ એક થી ધોરણ નવની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા સ્કૂલ સંચાલક મંડળે માગ કરી છે. પરંતુ શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ છતાં પણ કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવું જરૂરી છે.