દરેક યુવાન સિવિલ સર્વિસીસમાં પ્રવેશ મેળવવા માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાનું સપનું જુએ છે. આ માટે લાખો યુવાનો વર્ષો સુધી દરરોજ 10-12 કલાક અભ્યાસ કરે છે. જો કે આ પછી પણ આ સપનું ઓછા લોકો પૂર્ણ કરી શકે છે. આજે પણ લાખો યુવાનો આ પરીક્ષાની તૈયારી માટે ગામડેથી શહેર તરફ દોડે છે. આવામાં ગામમાં રહીને આ પરીક્ષામાં પાસ થવું તો દૂર તૈયારી કરવાનું પણ વિચારી ન શકાય.
યુવાનોની આ મૂંઝવણને આઈએએસ હિમાંશુ ગુપ્તાએ દૂર કરી છે. જેમણે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી છે. હિમાંશુએ એક વાર નહીં પરંતુ ત્રણ વાર આ પરીક્ષા પાસ કરી છે અને આ માટે તેમણે કોઈપણ કોચિંગ ક્લાસની મદદ લીધી નથી. આજે અમે તમને જણાવીશું હિમાંશુની સફળતાની કહાની વિશે.
ઉત્તરાખંડના ઉધમ જિલ્લાના સિતારગંજમાં જન્મેલા હિમાંશુ ગુપ્તાએ પોતાનું બાળપણ જિલ્લાના એક નાનકડા શહેર સિરૌલીમાં વિતાવ્યું હતું. હિમાંશુએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના શરૂઆતના સંઘર્ષ વિશે વાત કરતા કહ્યું કે, તેમનું બાળપણ સામાન્ય બાળકોથી બિલકુલ અલગ હતું, કારણ કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેમણે પોતાનું બાળપણ અત્યંત ગરીબીમાં વિતાવ્યું હતું.
હિમાંશુના પિતા શરૂઆતમાં મજૂર તરીકે કામ કરતા હતા. જેથી તેઓ પરિવારનું ગુજરાન ચલાવી શકતા હતા. બાદમાં તેણે ચાનો સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું અને હિમાંશુ પણ સ્કૂલ બાદ પિતાને આ કામમાં મદદ કરતો હતો. બાદમાં આખો પરિવાર બરેલી જિલ્લાના સિરૌલીમા રહેવા ચાલ્યો ગયો. જ્યાં તેમના પિતાએ પોતાનો જનરલ સ્ટોર ખોલ્યો. હિમાંશુ કહે છે કે આજ સુધી મારા પિતા એ જ દુકાન ચલાવે છે.
બરેલી શિફ્ટ થયા પછી પણ હિમાંશુની મુશ્કેલીઓ ઓછી ન થઈ. કારણ કે નજીકમાં કોઈ સ્કૂલ નહોતી. હિમાંશુ કહે છે કે, સૌથી નજીકની શાળા 35 કિલોમીટર દૂર હતી અને ત્યાં જવા માટે તેમને દરરોજ ૭૦ કિલોનીતર દૂર આવવા જવાનું રહેતું હતું. હિમાંશુ ભણવામાં પહેલેથી જ હોશિયાર હતો. બારમા ધોરણ પછી હિમાંશુએ દિલ્હીની હિન્દુ કોલેજમાં એડમિશન લીધું હતું.
હવે સૌથી મોટી સમસ્યા પૈસાની હતી. તેથી તેમણે અભ્યાસની સાથે નાના બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું. સ્નાતક થયા બાદ હિમાંશુએ ડીયુમાંથી એન્વાયર્મેન્ટલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો હતો અને કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પછી હિમાંશુને વિદેશ જઈને પીએચડી કરવાની તક મળી. પરંતુ તેણે દેશમાં જ રહેવાનું નક્કી કર્યું.
ભણતર પૂરું કર્યા બાદ હિમાંશુ પોતાના ઘરે પાછો ફર્યો હતો અને ત્યાં જ રહી સિવિલ સર્વિસની તૈયારી કરવા લાગ્યો હતો. આ પછી તેણે સખત મહેનત કરી અને વર્ષ 2018 માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી અને પાસ થયો. પરંતુ તે ભારતીય રેલ્વે ટ્રાફિક સેવા (આઇઆરટીએસ) માટે પસંદ થયો. આ પછી હિમાંશુએ નોકરીની સાથે પોતાની તૈયારી પણ ચાલુ રાખી હતી અને 2019 માં ફરી પરીક્ષા આપી હતી.
હિમાંશુને બીજા પ્રયાસમાં ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) માટે પસંદ કરવામાં આવ્યો હતો. જે બાદ તેમના ત્રીજા પ્રયાસમાં તેઓ ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ) સુધી પહોંચ્યા. હિમાંશુએ આ સમયગાળા દરમિયાન ક્યારેય કોચિંગનો આશરો લીધો ન હતો કે ન તો તે કોઈ મોટા શહેરમાં ગયો હતો. તેણે ઘરે તૈયારી કરી અને સતત ત્રણ વખત આ પરીક્ષા પાસ કરી.
આ પરીક્ષાની તૈયારી માટે મોટા ભાગના ઉમેદવારો મોટા શહેરમાં જઈને કોચિંગ લેતા હોય છે. પરંતુ હિમાંશુએ સેલ્ફ સ્ટડી કરવાનું નક્કી કર્યું. હિમાંશુએ પોતાની રણનીતિ સમજાવતા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષા માટે તેણે પહેલા એનસીઈઆરટીના પુસ્તકો વાંચ્યા હતા અને પછી સ્ટાન્ડર્ડ બુકમાંથી તૈયારી કરતા હતા.
તેમજ જ્યારે પણ જરૂર પડે ત્યારે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને નોટ્સ કઢાવી લેતા હતા. પરીક્ષાની તૈયારીમાં ઇન્ટરનેટે તેને ઘણી મદદ કરી. હિમાંશુએ કહ્યું કે તેણે ક્યારેય ન્યુઝ પેપર વાંચવાનું બંધ કર્યું નથી કારણ કે તેનાથી તેને વર્તમાન બાબતો વિશે સંપૂર્ણ માહિતી મળી રહે છે. તેઓ માને છે કે તૈયારી દરમિયાન દરેક વ્યક્તિએ દરરોજ ન્યુઝ પેપર અથવા સામયિકો વાંચવા જોઈએ.
હિમાંશુ આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને જણાવે છે કે તેઓએ વધુ સારી વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. તેમનું કહેવું છે કે જે લોકો નાના ગામ કે શહેરમાં રહીને તૈયારી કરવા માંગે છે. તેઓ ઇન્ટરનેટની મદદ લે છે અને પોતાનું સપનું પૂરું કરવા માટે મહેનત કરે છે. હિમાંશુના જણાવ્યા અનુસાર આ નાની નાની વાતોને ધ્યાનમાં રાખીને તમે યુપીએસસીની પરીક્ષા પાસ કરી શકો છો.