દૂરદર્શન પર પ્રસારિત થનાર બીઆર ચોપડાની મહાભારત સિરિયલને કોઈ કેવી રીતે ભૂલી શકે. આ સિરિયલનું નિર્દેશન રવિ ચોપડાએ કર્યું હતું. અને સંવાદો રાહી માસૂમ રઝાએ લખ્યા હતા. આ સિરિયલ જોવા માટે લોકો ખુબજ ઉત્સુક રહેતા હતા. મહાભારતનું દરેક પાત્ર ઘરે ઘરે લોકપ્રિય હતું. અને એમાંનું એક પાત્ર ગદાધારી ભીમનું હતું.
મહાભારત સીરિયલમાં ભીમનું પાત્ર પ્રવીણ કુમાર સોબતીએ ભજવ્યું હતું. ભીમનું પાત્ર ભજવીને ઘરે ઘરે ફેમસ થયેલા એક્ટર પ્રવીણ કુમારનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. પ્રવીણ કુમારે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પ્રવીણ કુમારનો શરુઆતમાં અભિનયની દુનિયા સાથે કોઈ સંબંધ નહોતો.
પ્રવીણ કુમાર સોબતીએ ઈન્ટરનેશનલ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ડિસ્કસ થ્રોઅર અને હૈમર હતા. પ્રવીણ કુમાર સોબતીએ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. તેણે બે વખત ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પ્રવીણને 1967માં રમતગમતનો સર્વોચ્ચ એવોર્ડ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રવીણ કુમારે 1960 અને 70ના દાયકા દરમિયાન એથ્લેટિક્સમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. 1966માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેણે ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 1966 અને 1970ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. તેણે એશિયન ગેમ્સમાં 56.76 મીટરના અંતરે ડિસ્કસ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
રમતગમતમાં સક્રિય રહેલા પ્રવીણ કુમાર સોબતીને અચાનક પીઠમાં દુખાવો થવા લાગ્યો હતો. જેના કારણે તેમને રમત રમવામાં મુશ્કેલી થવા લાગી. રમતની દુનિયામાં નામ કમાયા બાદ પ્રવીણ કુમારે BSFમાં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ વર્ષ 1980માં તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.
પ્રવીણ કુમારના કદના કારણે તેમને ભીમના રોલની ઓફર કરવામાં આવી હતી. તેણે આ પાત્ર એટલા ઉત્સાહથી ભજવ્યું કે લોકો તેને ભીમના નામથી જ ઓળખવા લાગ્યા. તેણે પોતાની કારકિર્દીમાં 30 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે લાંબા સમયથી ઘરે છે. અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેણે સરકારી પેન્શન માટે પણ વિનંતી કરી હતી. પ્રવીણ હવે આપણી વચ્ચે નથી. પરંતુ તે તેના ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે.