સામાન્ય રીતે કેફેમાં આપણે જઈએ ત્યારે કોઈ વ્યક્તિ આપણી પાસે ઓર્ડર લેવા માટે આવે છે. પરંતુ અમદાવાદના એન્જીનયરે પોતાની બુદ્ધિ મતાથી રોબોટ કેફે બનાવ્યું છે. આ કેફેમાં કોઈ વ્યક્તિ નહિ પરંતુ રોબોટ ઓર્ડર લેવા માટે આવશે. બહારથી જોવામાં આ કેફે સામાન્ય કેફે જેવું જ છે.
પરંતુ જયારે તમે આ કેફેમાં પ્રવેશો છો ત્યારે તમને અલગ નજારો જોવા મળશે. અમદાવાદના આ કેફેમાં ઓર્ડર લેવાથી માંડીને નાસ્તો સર્વ કરવા સુધી અલગ અલગ રોબોટ રાખવામાં આવ્યા છે. આ જોઈને તમને ખુબ જ નવાઈ લાગશે. અગત્યની વાત તો એ છે કે આ રોબોટ તમારા પ્રશ્નના જવાબ પણ આપશે.
એન્જીનીયર આકાશ ગજ્જરે આ રોબોટ કેફે બનાવ્યું છે. તેમના આ રોબોટનું નિર્માણ કરવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સામાન્ય રીતે રોબોટિક કેફેમાં રોબોટ માત્ર જમવાનું સર્વ કરે છે. અને આ માટે રોબોટ ભારત બહારથી મંગાવવામાં આવે છે.
આકાશે તેની ટિમ સાથે મળીને મેડ ઈન ઇન્ડિયા રોબોટનું નિર્માણ કર્યું છે. આ રોબોટ તૈયાર કરવામાં તેમને ખુબ મુશ્કેલી પડી હતી. પરંતુ છતાંપણ તેમણે રોબોટ અને તેના સેન્સર તૈયાર કર્યા. ત્યારબાદ તેમણે વસ્ત્રાપુર લેકની સામે રોબોટિક કેફે તૈયાર કર્યું છે. જેનું ટૂંક સમયમાં ઉદઘાટન થશે. આ કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે.
આ કેફેમાં ટેબલ પર બાર કોર્ડ સ્કેન રાખવામાં આવેલ છે. જેથી કેફેમાં પ્રવેશનાર ઓર્ડર આપવા જવાની જગ્યાએ બાર કોર્ડ સ્કેન કરીને ઓર્ડર આપી શકશે. ત્યારબાદ ઓર્ડર આપવામાં આવેલી વસ્તુ મશીન દ્વારા તૈયાર કરવામાં આવશે. જે પછી રોબોટ ઓર્ડર કરેલી વસ્તુ લાવશે. અને સર્વ કરશે.
આ ઉપરાંત પેમેન્ટ લેવા માટે પણ રોબોટ કાર્ય કરશે. પાણી અને જ્યુસ માટે પણ અલગ રોબોટ રાખવામાં આવેલ છે. ઉપરાંત જો કોઈ પ્રશ્ન પૂછશે તો તેનો જવાબ આપવા માટે પણ રોબોટ રાખેલ છે. આ કેફેમાં ઓટોમેટિક ભેળ, પફ, સમોસા, ચા, કોફી અને પાણીપુરી બનાવવા માટે પણ મશીન મુકવામાં આવ્યા છે.
રોબોટ કેફે બાબતે આકાશ ગજ્જરે જણાવ્યું છે કે કોરોના બાદ લોકો વધારે હાઈજેનિક થયા છે. જેથી કોન્ટેક્ટ લેસ રહેવાનું વધારે પસંદ કરે છે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોબોટ કેફેનું નિર્માણ કર્યું છે. કેફેમાં આવનાર વ્યક્તિ કોઈનો કોન્ટેક્ટ કર્યા વગર હાઈજેનિક ફૂડ મેળવી શકશે. ભારતમાં પ્રથમવાર આવું કેફે શરૂ કરવામાં આવ્યું છે.