કેટલાક લોકો પશુ પક્ષી પ્રેમી હોય છે. તેવા જ પક્ષી પ્રેમી છે સુરાતના કમલ શિંદ. આ ઘટના ઉમરા પોલીસ સ્ટેશનમાંથી સામે આવી છે. જયારે આ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં આવીને પોપટની ચોરી થવાની ફરિયાદ લખાવી. ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. ત્યારબાદ પોપટના માલિકે સમગ્ર વાત જણાવી.
ફરિયાદ લખાવનાર કમલ શિંદે જણાવ્યું હતું કે તેઓ પક્ષી પ્રેમી છે. તેઓ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહે છે. તેમની પાસે છ વર્ષની ઉંમરનો આફ્રિકન ગ્રે પોપટ છે. જે તેમની માલિકીનો છે. તેમણે એક્ઝોટિક બર્ડ એડવાઈઝરી હેઠળ પોર્ટલમાં રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે. જેનું સર્ટિફિકેટ પણ તેઓ સાથે લાવ્યા હતા.
કમલ શિંદે જણાવ્યું હતું કે તેમને પક્ષી ખુબ જ ગમે છે. તેઓ આ પોપટને પોતાના પરિવારના સભ્યની જેમ રાખતા હતા. તેઓ આ પોપટને પોતાના ઘરે પાંજરામાં રાખે છે. તો ક્યારેક ખુલ્લો પણ મૂકે છે. ત્યારે થોડા દિવસ પહેલા તેમનો આ પોપટ ઉડીને બહાર રોડ પર જતો રહ્યો હતો. પરંતુ ઘરે પરત આવ્યો નહીં.
પહેલા તો માલિકને લાગ્યું કે આ પોપટ ઉડીને ક્યાંક જતો રહ્યો છે. પરંતુ જયારે તેમણે પોતાના ઘરની નજીક આવેલા એક સીસીટીવી કેમેરામાં જોયું. ત્યારે તેમને ખબર પડી કે તેમનો પોપટ ખોવાયો નથી. પરંતુ ચોરી થઇ ગયો છે. તેમણે સીસીટીવી કેમેરામાં જોયું કે બે ઈસમો તેમના આ પોપટને એક કપડામાં વીંટાળીને લઇ જઈ રહ્યા છે.
ત્યારબાદ તેઓએ સીસીટીવી કેમારામાંથી આ ફોટોની પ્રિન્ટ કાઢી અને પાંજરાનું વેંચાણ કરતા ગ્રુપમાં તેમણે આ તસ્વીરે શેર કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે પોપટ ચોરી ગયેલા શખ્સો ઉધના દરવાજા પાસે પોપટ માટે પાંજરું ખરીદવા આવ્યા હતા. ત્યારબાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ચોર ગોપીપુરા વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવે છે. જયારે તેનો નંબર મેળવીને કમલ શિંદે તેઓ કોન્ટેક કર્યો. ત્યારે આ ચોરે મજાક ઉડાવીને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને જણાવ્યું હતું કે ચોરને તેના ખાવા પીવા બાબતે કઈ ખબર નથી. જો યોગ્ય ખોરાક આપવામાં નહીં આવે તો પોપટ મરી જશે. આ પોપટની કિંમત 60 હજર રૂપિયા છે.