સુરતના કામરેજ વિસ્તારમાં થયેલ હ્નદયદ્રાવક ઘટનામાં ફેનિલ પંકજભાઈ ગોયાણી નામના યુવકે ભરબજારે યુવતીને મારી નાખી હતી. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘાતકી ઘટનાને કારણે આખું ગુજરાત હચમચી ઉઠયું છે. આરોપી ફેનિલે પણ દવા ખાઈને આપ ઘાત કરવાની કોશિશ કરી હતી.
આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આરોપી ફેનિલને હોસ્પિલમાંથી રજા કરવામાં આવી છે. જેથી તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો છે. ફેનીલનાં માતા પિતાને માત્ર ફેનીલનો ચહેરો બતાવવામાં આવ્યો. આંખ ખુલતાની સામે પોલીસને જોતા ફેનિલ રડી પડયો હતો.
ફેનિલ ગોયાણી છેલ્લા કેટલાક સમયથી ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલા યુવતીના મોટા પપ્પાએ ફેનિલને ઠપકો આપ્યો હતો. જેથી રોષે ભરાયેલો ફેનિલ 12 ફેબ્રુઆરીના રોજ છરી જેવું ધારદાર હથિયાર લઈને ગ્રીષ્માના ઘરે આવી પહોંચ્યો હતો. ત્યારે ગ્રીષ્માના મોટા પપ્પાએ ગુસ્સે થઈને ફેનિલ ત્યાંથી જતું રહેવાનું કહ્યું હતું.
આ દરમિયાન ફેનિલે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ધારવાળા હથિયારથી ગ્રીષ્માના મોટા પપ્પા પર હુમલો કર્યો હતો. જેથી યુવતી બહાર દોડી આવી હતી. યુવતી વચ્ચે પડતા ફેનિલે તેને ઝપટમાં લઇ લીધી હતી અને ભરબજારે પળવારમાં ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દીધી. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું.
માત્ર એટલું જ નહિ પરંતુ ઘટના સ્થળ પર આવેલી પોલીસ પર પણ ફેનિલે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કોઈ ઉપાય ન બચત પોતાના હાથની નસ કાપવાની કોશિશ કરી હતી. આરોપી ફેનિલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર બાદ ડોકટરે જણાવ્યું કે ફેનિલે ઝેર પીધું નથી. તેણે માત્ર ઝેર પીવાનું નાટક કર્યું હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે ફેનિલ નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નસ કપાઈ નથી. માત્ર માસ જ કપાયું છે. જેથી તેને હાથ પર દસ ટાંકા આવ્યા છે. છેલ્લી 48 કલાક સુધી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર થયા બાદ ફેનિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
પોલીસ કર્મચારીઓના કહેવા પ્રમાણે તેમણે આ અંગે ઉપરી અધિકારીને જાણ કરી છે. ઉપરી અધિકારીના આવ્યા બાદ ફેનિલને કસ્ટડી સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસ અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે. હવે આગળ પોલીસ આરોપી ફેનિલને પૂછપરછ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરશે. જ્યાં સુરત કોર્ટ દ્વારા વધુ આદેશ આપવામાં આવશે.