ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી ગ્રીષ્માની અંતિમયાત્રા, દીકરીની લાશ જોઈ પિતા જમીન પર ઢળી પડ્યા બહેનના જવતલ હોમવાના સપના જોતા ભાઈએ મુખાગ્નિ આપી

Gujarat

સુરતમાં 12 ફેબ્રઆરીના રોજ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 21 વર્ષીય યુવતીને મોતને હવાલે કરી નાખી હતી. જાહેરમાં થયેલા આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી મૂકયું છે. યુવતીનું નામ ગ્રીષ્મા વેકરીયા છે. જે સુરતના કામરેજ વિસ્તારમાં રહે છે. ગ્રીષ્માના પિતા નંદલાલ ભાઈ વેકરીયા આફ્રિકા હોવાથી દીકરીના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા.

ગ્રીષ્માના પિતાને તાત્કાલિક સુરત બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમને દીકરી સાથે બનેલ આ ઘટના અંગે જાણ કરવામાં નહોતી આવી. જ્યારે સુરત પહોંચ્યા અને તેમને ખબર પડી કે દીકરી હવે આ દુનિયામાં નથી રહી. ત્યારે માસૂમ દીકરીના પિતાના પગ નીચેથી જમીન ખસી ગઇ. દીકરીના મોતના સમાચાર સાંભળીને પિતાને ખૂબ આઘાત લાગ્યો. આ ઘાતકી ઘટનાથી માત્ર ગ્રીષ્માનો પરિવાર જ નહિ પરંતુ સમગ્ર સુરત અને ગુજરાતમાં શોક છવાયો છે.

ગ્રીષ્માના પિતાને દીકરીના મોતની જાણ થતાં તેઓ જમીન પર જ ઢળી પડ્યા હતા. તો બીજી તરફ માસૂમની અંતિમ યાત્રા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવાયો છે. ગ્રીષ્માની અંતિમ યાત્રા પાસોદરા પાટિયાથી શરૂ કરવામાં આવી છે. લોકો ચોધાર આંસુએ રડી રહ્યા છે. માસૂમની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી. હજારો લોકો દીકરીની અંતિમ યાત્રામાં જોડાયા. માતા પિતાનું મૃત દેહ પાસે આક્રંદ રુદન જોઈને લોકોની આંખમાં પણ આંસુ આવી ગયાં.

માતા પિતાએ પોતાની દીકરીની ડોલી કાઢવાને બદલે અંતિમ યાત્રા કાઢવી પડી. ગ્રીષ્માના ભાઈને બહેનના જવતલ હોમવાની જગ્યાએ અગ્નિદાહ આપવાનો સમય આવ્યો. જેથી ભાઈ ભાંગી પડ્યો. ગ્રીષ્માના ઇજાગ્રસ્ત ભાઈના હાથે બહેનને મુખાગ્નિ અપાઈ. ગ્રીષ્માની અંતિમ વિધિ દરમિયાન સમગ્ર સુરત શોક મગ્ન થઈ ગયું. સુરતમાં જાણે કાળના વાદળા છવાયા હોય તેવું વાતાવરણ બની ગયું.

ગ્રીષ્માની અંતિમ યાત્રા પાસોદરા પાટિયા તેના ઘરેથી નીકળી હતી. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ગ્રીષ્માના પાર્થિવ દેહને હજારો લોકોએ શ્રધાંજલિ આપી હતી અને ઘરની બહાર નીકળીને લોકોએ આ ઘટના બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને લોકોએ અંતિમ વિદાય આપી. સાથે સાથે આરોપી યુવકને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી પણ માંગ કરી.

ગ્રીષ્માની અંતિમ યાત્રામાં સમગ્ર સુરતની સાથે સાથે સુરત બહારના લોકો પણ જોડાયા હતા. સુરત બોર્ડરથી લઈને અશ્વિની કુમાર સુધી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે ગોઠવી દેવામાં આવી હતી. રોષે ભરાયેલા લોકો દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે લોકો પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ગ્રીષ્માની અંતિમ વિદાય આપવા માટે રોડની બન્ને તરફ લોકો લાઈન કરી ઊભા હતા. સમગ્ર સુરતની ટ્રાફિક પોલીસની ટીમને આ સ્થળ પર ગોઠવી દેવામાં આવી હતી.

સ્મશાન લઈ જવાના રથની પાછળ પોલીસની ગાડી ચાલતી હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કાપોદ્રા, હીરાબાગ, કામરેજ, કતારગામથી લઈને સમગ્ર સુરતની પોલીસ આ વિસ્તારમાં ગોઠવાઈ ગઇ હતી. આ ઉપરાંત એસપી અને ડીએસપી પણ આ અંતિમ યાત્રા વખતે હાજર રહ્યા હતા. ગ્રીષ્માના માતા પિતાની રડી રડીને હાલત ખરાબ થઇ ગઇ.

ગત શનિવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ફેનિલ ગોયાણી નામના નિર્દયી યુવકે આ દીકરીને નિર્મમ રીતે મોતને હવાલે કરી નાખી હતી. ભરબજારમા આ યુવકે ગ્રીષ્માના ઘરે જઈ તેના પરિવારની સામે જ ગળું કાપી નાખ્યું હતું. ગ્રીષ્માનો ભાઈ બહેનને બચાવવા માટે કરગરી રહ્યો હતો. પરંતુ યુવકે ગ્રીષ્માને છોડી નહિ અને પરિવારની સામે જ મોતને ઘાટ ઉતારી દીધી. પોતાની નજર સામે દીકરીનું મોત થઈ જતા પરિવારના મહિલા બેભાન થઇ ગયા હતા.

દીકરીના પિતાને ગ્રીષ્માના મૃત્યુ અંગે જાણ કરવામાં નહોતી આવી. તેમને મોટા ભાઈનો અકસ્માત થયો હોવાનું કહીને આફ્રિકાથી સુરત બોલાવવામાં આવ્યા હતા. જ્યારે પિતાને દીકરીના નિર્મમ મોતના સમાચાર મળ્યા ત્યારે તેમનું હ્દય કપાઈ ગયું. ગ્રીષ્માના પિતા નંદલાલ ભાઈ વેકરીયા ત્યાં જ ઢળી પડ્યા. દીકરીના પિતા સુરત આવી જતા દીકરીની અંતિમ વિધિની કામગીરી કરવામાં આવી. ત્યારે મોટી સંખ્યામા લોકો અંતિમ યાત્રામાં જોડાયા. અને ગ્રીષ્માના પાર્થિવ દેહને શ્રધાંજલિ આપી.

Leave a Reply

Your email address will not be published.