સુરતમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં કાળો કહેત મચાવી દીધો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપી નાખતા ચકચાર મચી ગયો છે. તમામ લોકો ગ્રીષ્માને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકત લીધી હતી અને જલ્દીથી ન્યાય અપાવવાની બાંહેદરી આપી હતી.
ત્યારે ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની તપાસ માટે એક અલગ ટીમની રચના કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના ડીએસપી રવિરાજસિંહ જાડેજાના વડાપણ હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટિમની રચના કરવામાં આવી છે. જેમાં એસપી વિશાખા જૈન, સુરત ડીવાયએસપી બી કે વનાર, ડીવાયએસપી ભાર્ગવ પંડયા, કામરેજ પીઆઇ એમ એસ ગિલાતર, વલસાડના પીઆઇ વી બી બારડ સહીત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.
રવિરાજસિંહ જાડેજાના વડાપણ હેઠળ તૈયાર થયેલી આ ટીમે કેસ અંગની તપાસ ચાલુ કરી દીધી છે. જેમાં એક પછી એક ખુલાસા થવા લાગ્યા છે. ઉપરાંત ટીમ દ્વારા ગ્રીષ્માની હત્યાને નજરે જોનારના પણ નિવેદન લેવામાં આવ્યા છે. હવે કોઈપણ કાળે આરોપી બચી શકશે નહી.
પોલીસ ટીમ દ્વારા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી સાયન્ટિફિક પુરાવાઓ પણ લેવાયા છે. ફેનિલ પાસે એક નહીં પરંતુ બે બે ચપ્પુ હતા. જે પોલીસે જપ્ત કરી લીધા છે. કેસમાં ઝડપી ચાર્જશીટ રજૂ કરવા માટે સ્પેશિયલ સરકારી વકીલની મદદ લેવાશે. આ કેસ અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે. ગ્રીષ્માના હત્યારાના વહેલી તકે સજા મળશે.