સુરતમાં 12 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. પ્રેમમાં પાગલ યુવકે સરાજાહેર યુવતીની હત્યા કરી નાખતા તંત્ર પણ સક્રિય થઇ ગયું છે. સમગ્ર દેશમાં આ ઘટના અંગે ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે ગ્રીષ્માના પરિવારના આંસુ સુકાતા નથી. નજર સામે દીકરીની હત્યા થતા ગ્રીષ્માના મમ્મીને ખુબ આઘાત લાગ્યો છે.
સુરતના કામરેજ વિસ્તારમાં ફેનિલ ગોયાણી નામના યુવકે ભરબજારે યુવતીની હત્યા કરી નાખી હતી. પ્રેમમાં પાગલ યુવકે યુવતીના પરિવારની સામે જ ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ હત્યારા ફેનિલે પણ ઝેરી દવા પીધી હતી અને નસ કાપી આપ ઘાત કરવાની કોશિશ કરી હતી. જેથી સારવાર અર્થે ફેનિલને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ડોકટરે સારવાર દરમિયાન જણાવ્યું કે ફેનિલે ઝેરી દવા નહીં પરંતુ ઊંઘની ગોળી લીધી હતી અને નસ કાપી નથી પરંતુ માત્ર ચામડી જ કાપી છે. જેથી તેના હાથની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ ફેનિલની તબિયત સ્થિર થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડાયરેક્ટ ફેનિલને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
ત્યારબાદ ફેનિલને પુછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારે ફેનિલે તેના અને ગ્રીષ્માના પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે અલગ અલગ મુદ્દાઓ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. જેથી કોર્ટ દ્વારા ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.
આ દરમિયાન ફેનિલ અને તેના મિત્રની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં ફેનિલ અને ગ્રીષ્માના પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. હવે તે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો કે નહીં તે પણ એક મુદ્દાની વાત છે. પરંતુ તેણે જાહેરમાં કરપીણ હત્યા કરી તે એક નિર્મમતા છે. હવે વકીલ શું દલીલ કરશે તે જાણવાનું રહ્યું.
ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. જેની મુખ્ય કમાન રવિરાજસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા હવે ફેનિલની પુછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત ફેનિલને કોર્ટમાં દોષિત ઠેરવવા માટે પુરાવા એકત્રિત કરવામાં આવશે.