આજના આ કળિયુગમાં સગાભાઈ પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જ્યારે દુનિયામાં કેટલાક એવા લોકો પણ છે જે ખૂબ પ્રમાણિકતાથી જીવે છે. અમે આજે એક એવા જ પ્રામાણિક વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ. જે ખુબ સામાન્ય પરિવારમાંથી હોવા છતાં 3.5 લાખના દાગીના રસ્તા પરથી મળી આવતા તેના માલિકને પરત કર્યા.
કતારગામના મૂર્તિબાગ સ્વામિનારાયણ મંદિરમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પરિવારના કન્યાદાન માટેના 3.5 લાખના દાગીનાની પોટલી ખોવાઈ ગઈ હતી. તેની જાણ પરિવારને પણ નહોતી. આ પોટલી એક વ્યક્તિને મળી હતી. ત્યારબાદ તેમણે આ પરિવારની શોધખોળ કરીને પ્રામાણિકતાથી તે પોટલી પરત આપી.
આ પ્રામાણિક વ્યક્તિનું નામ મગનભાઈ સોંડાગર છે. જે પ્રજાપતિ સમાજના છે. વેડ રોડ વિસ્તારમાં રહેતા મૂળ ધારી તાલુકાના કુંડળી ગામના વતની મગનભાઈ સામાન્ય મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે કિંમતી દાગીનાની પોટલી પરત આપીને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
ત્યારબાદ સમારોહના આયોજકોએ પ્રમાણિક મગનભાઈનું સન્માન પણ કર્યું હતું. મળેલા સાડા ત્રણ લાખ રૂપિયાના દાગીના મૂળ માલિકને પરત કરનાર વ્યક્તિને સામાજીક આગેવાન બાબુભાઈ વાઘાણીએ તેની સજ્જનતા બદલ 51 હજાર રૂપિયાનું ઇનામ આપ્યું.
CV ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ તેમજ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ બાબુભાઈ એ કહ્યું કે આવા લોકોની પ્રમાણિકતાને કારણે જ સામાજિક મૂલ્યો ટકી રહ્યા છે. આવા લોકોને માત્ર પુષ્પગુચ્છ આપીને વાહવાહી કરીએ એની કરતાં તેને હંમેશા યાદ રહે એવું સન્માન આપવું જોઈએ. જે સમાજના આગેવાનો અથવા શ્રેષ્ઠીઓની ફરજમાં આવે છે. આજે મગનભાઈએ પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે.