ગુજરાતના અમદાવાદ શહેરનું નામ તો આખા દેશમાં ગુંજે છે. ત્યારે 2008 માં અમદાવદમાં થયેલા સિરિયલ બૉમ્બ વિસ્ફોટ આખા દેશને હચમચાવી દીધો હતો. અમદાવાદમાં લોહીની નદી વહેવા લાગી હતી. 26 જુલાઈ, 2008 ના રોજ થયેલી આ ઘટનાનો 14 વર્ષે ઐતિહાસિક ચુકાદો જાહેર થયો છે.
અમદાવાદના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં 49 વ્યક્તિઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. જેમાંથી 38 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 38 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સૌથી વધુ 26 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હતી.
આ કેસનો ચુકાદો આવતા 49 વ્યક્તિઓને દોષી ઠરાવવામાં આવ્યા છે. જેમાં 38 ને ફાંસીની સજા થશે. જયારે 11 ને આજીવન કેદની સજા આપવામાં આવી છે. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી છે. હાલ આરોપીઓને અમદાવાદ, મહારાષ્ટ્ર, બિહાર અને મધ્યપ્રદેશની જેલમાં રાખવામાં આવ્યા છે.
કોર્ટ દ્વારા આ કેસ બાબતે 8 ફેબ્રુઆરી, 2022 ના રોજ ચુકાદા માટેની સુનાવણીની શરૂઆત થઇ હતી. જયારે 18 ફેબ્રુઆરી, 2022 ના રોજ સજા જાહેર કરવામાં આવી છે. સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની ઘટના દરમિયાન કેટલાય નિર્દોષ લોકોનું ખૂન વહયું હતું. કોર્ટ દ્વારા એક સિવાય તમામ દોષી પાસેથી 2.85 લાખનો દંડ લેવામાં આવશે. જયારે એક આરોપી પાસેથી 2.88 લાખનો દંડ વસુલ કરવામાં આવશે.
આ દંડની રકમમાંથી મૃતકોને એક લાખ રૂપિયા, વધારે ઇજાગ્રસ્તને પચાસ હજાર અને સામાન્ય ઇજાગ્રસ્તને પચ્ચીસ હાજર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદો આવતા આરોપીના વકીલે જણાવ્યું છે અમે આ ચુકાદાનો અભ્યાસ કરીશું. જો અમારા અસીલ અમને કહેશે તો અમે હાઈકૉર્ટમાં અપીલ કરીશું.
આરોપીના વકીલે કહ્યું કે અમને આશા હતી કે ઓછા લોકોને સજા થશે. આરોપીના બીજા વકીલ એમ. એસ. શેખે કહ્યું કે, અમે અમારાથી થતા તમામ પ્રયત્નો કર્યા છે. પરંતુ હવે ચુકાદો આવી જતા તેના વિશે અભ્યાસ કરીને આગળની કાર્યવાહી થશે. તેમણે કહ્યું લાંબા સમય સુધી આ બાબતે ટ્રાયલ ચાલુ હતી. પરંતુ ચુકાદો આવી જતા હવે આગળની કાર્યવાહી આ બાબતે અભ્યાસ કરીને કરવામાં આવશે.