હાલ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ચુકાદો આવ્યો છે. 14 વર્ષની લાંબી તપાસ અને ટ્રાયલ બાદ એક સાથે 38 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. જે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે. સાથે સાથે 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પરંતુ વર્ષ 2008 મા આ ઘટના ઘટી એ પહેલા જ IB ના એક જવાને ઇનપુટ આપ્યા હતા.
ઇન્ટેલિજન્સમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ કુપાવતને આ અંગે અગાઉ જાણકારી મળી હતી. ગુજરાત સહીત દેશભરમાં આતંકવાદીઓ બૉમ્બ બ્લાસ્ટની યોજના બનાવી રહ્યા હોવાનો ઇનપુટ તેમને મળ્યો હતો. તેમણે આ અંગે વાત પણ કરી હતી. પરંતુ કોઈ સિનિયર અધિકારીએ તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં.
બળવંત સિંહ કુપાવતને તેમના સોર્સ દ્વારા આ જાણકારી મળી હતી. આ ઉપરાંત એવી પણ માહિતી મળી હતી કે અમદાવાદની સાબરમતી જેલના કેટલાક ખૂંખાર ગુનેગારો પણ આ આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે. તેમણે પોતાના સંપર્કથી આ લોકોના ફોન નંબર પણ મેળવી લીધા હતા. તેમને જાણકારી મળી હતી કે ઇસ્લામિક મુવમેન્ટના સભ્યો ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે મળીને દેશ ભરમાં બૉમ્બ બ્લાસ્ટની યોજના કરી રહ્યા છે.
ત્યારબાદ તેમણે આ તમામ માહિતી સિનિયર અધિકારીઓના ટેબલ પર મૂકી હતી. પરંતુ બળવંત સિંહ નાના અધિકારી હતા. તેથી તેમની પાસેથી આટલી સચોટ જણકારી કેવી રીતે આવી શકે તેવું વિચારીને તેમની વાતને નકારવામાં આવી હતી. આ ઈન્પુટના 70 દિવસ બાદ અમદાવાદમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયો. જેણે આખા ભારતને હચમચાવી દીધું. બળવંત સિંહે બ્લાસ્ટ પછી સિનિયરોને પોતાનો ઇનપુટ યાદ કરાવ્યો હતો. જો આઈબીના આ જવાનની વાતને ગંભીરતાથી લેવામાં આવી હોત આ બૉમ્બ બ્લાસ્ટને અટકાવી શકાયા હોત.