સુરતમા થયેલી ગ્રીષ્મા હત્યાકાંડની ઘટનાનું સૌ કોઈને દુખ છે. આ હત્યા વિશે સાંભળીને દરેક માં બાપને પોતાના બાળકોની ચિંતા થઈ રહી છે. ત્યારે ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે આ અંગે દરેક માં બાપને એક સંદેશ આપ્યો છે. સંજય રાવલ અવાર નવાર વ્યાખ્યાનો આપી શાળાઓના બાળકોને પ્રભાવિત કરતા હોય છે.
ગઈ કાલે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેની નવદુર્ગા હાઈસ્કૂલમાં સંજય રાવલ વ્યાખ્યાન આપવા પહોંચ્યા હતા. જેનો વિષય હતો પરીક્ષા એક કાલ્પનિક ભય. આ દરમિયાન સંજય રાવલે ગ્રીષ્મા હત્યા કાંડની વાત કરતા દરેક માં બાપને એક સંદેશ આપ્યો છે. સંજય રાવલે વિધાર્થીઓને ધાર્મિક અને આધ્યાતિમ વિચારો સાથે જોડીને ખુબ જ સરળ ભાષામાં માહિતી આપી હતી.
નવદુર્ગા હાઈસ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપરાંત વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર સંજય રાવલે સુરતમાં થયેલ માસુમ દીકરી ગ્રીષ્માની હત્યા વિશે પણ વાત કરી હતી. સંજય રાવલે જણાવ્યું હતું કે આ ઘટના માટે માત્ર એક વ્યક્તિ દોષિત નથી. પરંતુ સમગ્ર સમાજનો દોષ છે.
સંજય રાવલે આ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાળકોને ઘરમાં આઇ લવ યુ શબ્દ સાંભળવા મળતો જ નથી. જેથી તેમને આ માટે બહાર ફાંફા મરવા પડે છે. આ કારણથી જ દેશમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાઓ બને છે. દરેક માતા પિતાએ બાળકોને ઘરમાં પૂરો પ્રેમ આપવો જોઈએ. જેથી તેના બાળકો પ્રેમ ગોતવા માટે બહાર ન જાય અને આવા માસૂમને ભોગ ન આપવો પડે. માતા પિતાએ પોતાના બાળકોમાં યોગ્ય સંસ્કારનું સિંચન કરવું જોઈએ.