ફરી એક ગ્રીષ્માના ગળે ચપ્પુ ગુજરાતમાં વધુ એક ફેનીલવાળી ઘટના, બારમા ધોરણમાં અભ્યાસ કરતી પ્રેમિકાનું પ્રેમીએ ગળું કાપ્યું

Gujarat

સુરતમાં નરાધમ ફેનિલે 21 વર્ષની માસૂમ દીકરી ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને હત્યા કરી તે બનાવ હજી તાજો જ છે ત્યાં વધુ આવો એક બનાવ સામે આવ્યો છે. ગઈકાલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માણસાનાં લીંબોદરા ગામની સગીર પ્રેમિકાને લલચાવી ફોસલાવી અમરાપુર સાબરમતી નદીનાં કોતરમાં લઈ જઈ બળજબરી કરીને પેપર કટર વડે ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. દીકરીઓ પર હુમલાથી વધુ એક ઘટનાથી લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.

હાલમાં માણસા પોલીસ દ્વારા આરોપી પ્રેમીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સગીર પ્રેમિકાને અમરાપુર નદીનાં કોતરમાં લઈ જઈ બળજબરીથી શારીરિક સંબંધો બાંધી ઠંડા કલેજે પેપર કટર વડે ગળું કાપી હત્યાનો પ્રયાસ કરનાર પ્રેમી પ્રિ-પ્લાનિંગ સાથે તીક્ષ્ણ કટર અગાઉથી જ સાથે લઈને ગયો હતો.

માણસાનાં લીંબોદરા ગામે રહેતી સગીરા ગામની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. જે ગઈકાલે શાળામાં પરીક્ષા આપવા માટે ગઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ગામમાં રહેતો સંજય સેધાજી ઠાકોર મળ્યો હતો અને સગીરાને તેના કાકા બોલાવી રહ્યાં છે તેવી વાત કરી બાઈક પર બેસાડી અમરાપુર સાબરમતી નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં સગીરા સાથે સંબંધો બાંધ્યા પછી ભાગી જવા બાબતે બંને વચ્ચે તકરાર થઇ હતી.

બંને વચ્ચે કોઈ માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપ્યું હતું. ત્યારબાદ સંજય ત્યાંથી ભાગી છૂટ્યો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ સગીરા જેમતેમ કરીને ખેતર તરફ કામ કરતા મજૂરો પાસે પહોંચી હતી અને ફોન કરીને તેના કાકાને બોલાવી લીધા હતા. ત્યાં 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને બોલાવી લીધી હતી. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરીને ગાંધીનગર સિવિલ લઈ આવી હતી. તાત્કાલિક શસ્ત્રક્રિયા કરીને 25 જેટલાં ટાંકા લઈ તેને ગંભીર હાલતમાંથી ઉગારી લેવામાં આવી હતી.

ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં એને ખોલતાની સાથે જ લોહીની ધારા વહેવા લાગી હતી. પરિણામે, સગીરાને સીધી ઇએનટીના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ હતી. સિવિલનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે પેપર કટર માર્યા બાદ પ્રિયંકાને બચાવવામાં સિવિલના તબીબોને સફળતા મળી છે, પરંતુ ગળાના ભાગે 2MM ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગમાં 12X3 સેન્ટિમીટરનો ઘા થયો હતો. જો વધારે ઘા થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયું હોત. ઓપરેશન સમયે ઇએનટી, સર્જરી વિભાગના તબીબોને સાથે રાખવામાં આવ્યા હતા.

બીજી તરફ માણસા પોલીસ મથકના પીઆઈ પરમારે અલગ અલગ ટીમો બનાવીને ફરાર સંજય ઠાકોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પુછતાછ હાથ ધરવામાં આવી હતી. આ અંગે માણસા પીઆઈ પરમારે જણાવ્યું હતું કે, સગીરા અને સંજયને છેલ્લાં બે વર્ષથી પરિચય હતો.

ગઈકાલે સ્કૂલથી છૂટ્યા પછી સંજયે સગીરાને અમરાપુર સાબરમતી નદીના કોતરમાં લઈ ગયો હતો. જ્યાં સંબંધો બાંધ્યા પછી ભાગી જવા મુદ્દે બંને વચ્ચે તકરાર થઇ હતી. પોતાની સાથે પહેલેથી પેપર કટર લઈને આવેલા સંજયે સગીરાનાં ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા.

આરોપી સંજયને પૂછપરછ કરતાં તે જણાવે છે કે, સગીરા ભાગી જવા માટે દબાણ કરતી હતી. જ્યારે સગીરાનું કહેવું છે કે, સંજય ભાગી જવા માટે કહેતો હતો. એટલે બન્નેના નિવેદનો વિરોધાભાસ આવી રહ્યા છે. જેથી ફરીવાર સગીરાની પણ પૂછતાંછ કરવામાં આવશે.

સંજયનાં પિતા તેની નાની વયે અવસાન પામ્યા છે. જ્યારે છ મહિના પહેલા તેની માતાનું પણ અવસાન થયું હતું. માતાના અવસાન બાદ સંજય તેના કાકાની સાથે રહીને મિનરલ વોટર જગ સપ્લાયની નોકરી કરતો હતો. હાલમાં સંજયને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે અને એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી છે. બીજી તરફ સગીરાના કાકાએ પણ મીડિયાનાં માધ્યમથી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published.