ગુજરાતમાં 26 જુલાઈ, 2008 ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટે આખા દેશને ખળભળાવી નાખ્યો હતો. આ ઘટનામાં 56 નિર્દોષ લોકોના લોહી વહેતા થયા હતા. કાળજું કંપાવનારી આ ઘટનાનો 14 વર્ષે ચુકાદો આવ્યો છે. આ ઘટનામાં કેટલાય પરિવારના મોભી માર્યા ગયા હતા. આ દિવસે આખું અમદાવાદ ધણધણી ઉઠયું હતું.
આ ઘટના બાદ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્વેસ્ટિગેશન ટીમને આ દરમિયાન કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવો પડયો હતો. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન આર.વી.અસારી ગોધરા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. અસારીએ કહ્યું કે ત્યારે મને ફોન આવ્યો કે તમારે તાત્કાલિક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું છે.
જેથી હું 27 જુલાઈએ ત્યાં પહોંચી ગયો હતો. સમગ્ર દેશ્માં આ ઘટના અંગે ચર્ચાઓ થઇ રહી હતી. ત્યારે તેમાં કોણ જોડાયેલું છે તેની તપાસ માટેની ટીમમાં જોડાવાનો મોકો મને મળ્યો હતો. મને જણાવવામાં આવ્યું હતું કે તમારે આ ઘટના સાથે કોણ જોડાયેલું છે અને બૉમ્બ બ્લાસ્ટ માટેનું મટીરીયલ ક્યાંથી લાવવામાં આવું હતું તે અંગે શોધ કરવાની છે.
આર.વી.અસારીએ કહ્યું કે મેં ઇન્વેસ્ટિગેશન ટીમ સાથે મળીને આ અંગે તપાસ ચાલુ કરી. આ દરમિયાન જાણવા મળ્યું કે આતંકવાદીઓએ દાણીલીમડા વિસ્તારના એક મકાનમાં બૉમ્બ બનાવ્યા હતા. ત્યારબાદ અમે તે સ્થળે પહોંચીને તપાસ ચાલુ કરી હતી. જે દરમિયાન કેટલાક સબૂત મળ્યા હતા.
આર.વી.અસારીએ કહ્યું કે અમે ચાર મહિના સુધી રાત દિવસ કામ કર્યું. રાતના નવ વાગ્યાનું જમવાનું સવારે ચાર વાગ્યે મળતું હતું. અમે ચાર વાગ્યા સુધી ઘરે પણ ગયા નથી. અમારા માટે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ ડિટેકટ જ મહત્વનું હતું. તેમણે જણાવ્યું કે એકવાર અમે જીવના જોખમે 1163 કિલોમીટર દૂરથી આરોપીને પકડીને લાવ્યા હતા.
અમને અલગ અલગ રાજ્યોમાંથી આરોપીને પકડીને લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એકવાર અમે આરોપીને પકડવા માટે કર્ણાટક ગયા હતા. ત્યારે અમને સૂચના આપવામાં આવી હતી કે તમે આરોપીને પકડી નીકળો ત્યારે ઈન્ડિયન મુજાહિદ્દીન તમારા પર હુમલો કરી શેક છે. જેથી તમે રસ્તા પર વાહન ઉભું રાખતા નહીં.
આ દરમિયાન અમે કર્ણાટકથી આરોપીને લઈને સીધા અમદાવાદ આવ્યા હતા. અમે એકપણ સ્થળે પાણી પીવા માટે પણ રોકાયા નથી. આવી જ રીતે ઉજ્જૈનથી પણ આરોપીને પકડીને લાવ્યા હતા. અમારી ટિમ દ્વારા જીવના જોખમે અલગ અલગ રાજ્યોમાંથી આતંકવાદીઓને પકડીને લાવવામાં આવ્યા હતા. ત્યારે આરોપીને કડક સજા થતા અમારો પરિશ્રમ સાર્થક રહ્યો.