સુરતમાં 12 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાએ લોકોને શોકમાં ડુબાવી દીધા છે. આખું ગુજરાત ગ્રીષ્માના પરિવારજનોની સાથે આવીને ઉભું છે. લોકો ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર પણ યોગ્ય ન્યાય મળી રહે તે માટે કાર્યવાહી કરી રહી છે. હાલ હત્યારા ફેનિલની તપાસ ચાલુ છે.
કોર્ટ દ્વારા ફેનિલના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. પોલીસ હત્યારાને ઘટના સ્થળે લઇ ગઈ હતી. આ દરમિયાન ફેનિલે ગ્રીષ્માના ગળા પર કેવી રીતે ચપ્પુ રાખીને હત્યા કરી હતી તેનો ડેમો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શુક્રવારે હત્યારા ફેનિલને પોલીસ દ્વારા ગાંધીનગર એફએચએલ ખાતે લઇ જવામાં આવ્યો છે.
હત્યારા ફેનિલની એક ઓડિયો કલીપ પણ વાયરલ થઇ રહી છે. જેમાં ફેનિલે તેના મિત્રને ગ્રીષ્માની હત્યા કરવા અંગે જણાવ્યું હતું. ત્યારે આ ઓડિયો ક્લિપમાં વાત કરી રહેલો પ્રથમ વ્યક્તિ ફેનિલ જ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. આ માટે પોલીસે ફેનિલ પાસે 25 જેટલા ડમી વાક્યો ત્રણ ત્રણવાર બોલાવ્યા હતા.
ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ફરી એકવાર હત્યારાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. આ દરમિયાન આરોપીના વધારે રિમાન્ડની માંગણી પણ કરશે તેવું લાગતું હતું. ગ્રીષ્માના પરિવારજનો મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાને મળ્યા હતા અને ઝડપથી ન્યાય મળે તે માટે માંગણી કરી હતી.
ગ્રીષ્મા હત્યાકાંડ સુરતનો પ્રથમ એવો કેસ બની શકે છે જેમાં સૌથી ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. અગાઉ સુરતના હત્યા કેસમાં અને રેપ કેસમાં ઓછામાં ઓછા સાત દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. પરંતુ ગ્રીષ્મા હત્યા કેસમાં સૌથી ઝડપથી ચાર્જશીટ રજૂ થાય તે માટે પોલીસ તૈયારી કરી રહી છે. આ સુરતનો પહેલો એવો કેસ બનશે જેમાં સૌથી ઝડપથી ચાર્જશીટ રજુ કરવામાં આવી હોય.