સુરતના કામરેજ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય યુવતીનું બેરહમીથી ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી હતી. ફેનિલને મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં અલગ અલગ મુદ્દાઓ રજૂ કરીને કોર્ટ પાસેથી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે દરમિયાન કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા.
ફેનિલને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફેનિલે કઈ રીતે ચપ્પુ રાખીને ગળું કાપ્યું હતું તેના ડેમો લેવામાં આવ્યા હતા. આ દરમિયાન મીડિયાના ટોળાને સામે જોઈને ફેનિલની આંખમાં આંસુ આવી ગયા હતા. ફેનિલને વોઈસની તપાસ માટે ગાંધીનગર એફએસએલ ખાતે પણ લઇ જવામાં આવ્યો હતો.
ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા શુક્રવારે ફરી એકવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. ત્યારબાદ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડવાનો આદેશ કર્યો. આરોપી ફેનિલને જલ્દીથી સજા મળે તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ દ્વારા ઘણા બધા પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે.
ગ્રીષ્માની ઘાતકી હત્યાની ચર્ચા ઠેર ઠેર થઇ રહી છે. ત્યારે આટલી નાની ઉંમરમાં કોઈ આટલી બેરહમીથી હત્યા કઈ રીતે કરી શકે તે અંગે પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફેનિલ મારધાડવાળી વેબસીરીઝ જોતો હતો.
ઉપરાંત ફેનિલે ગ્રીષ્માની હત્યાનો પ્લાન પણ વેબસીરીઝ જોઈને બનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફેનિલે સરાજાહેર ગ્રીષ્માની કરપીણ હત્યા કરી નાખતા લોકો ચોંકી ગયા છે. ગ્રીષ્માના પરિવારજનો દીકરીના હત્યારાને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. આખું ગુજરાત ગ્રીષ્માના પરિવાર પાસે આવીને ઉભું છે અને હત્યારાને ઝડપથી સજા અપાવવા માટે માંગણી કરી રહ્યા છે.
ત્યારે ઇન્વેસ્ટિગેશન ટીમ પણ હત્યારા વિરુદ્ધ વધુમાં વધુ સબૂત એકઠા કરી રહી છે. જેથી ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા મળે. ગ્રીષ્મા મર્ડર કેસમાં આરોપીને સખ્ત સજા અપાવવા માટે પોલીસ ફોરેન્સિક અને ટેક્નિકલ પુરાવાને વધારે મહત્વ આપી રહ્યા છે. આવતા અઠવાડિયાની શરૂઆતમાં જ ચાર્જશીટ ફાઈલ રજૂ કરી દેવામાં આવશે.