આપણો ભારત દેશ સંસ્કૃતિ અને પરંપરાથી સજ્જ છે. અહીં લોકો એકબીજાને માન સમ્માન આપે છે. પરંતુ આજના સમયમાં કેટલાક લોકો ક્રૂર બની રહ્યા છે. પોતાના જ સંબંધીઓ સાથે વેર કરે છે. આવી જ એક ઘટના ગુજરાતના બારડોલીમાં બની છે. બારડોલીના કડોદમાં એક બનેવીએ પોતાના સગા સાળાને ગળુ દબાવી મારી નાખ્યો.
આ વાતની જાણ થતા મૃતકના મિત્ર મૃતકની બેનને વાત કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ખેંચ આવતા તેમનું પણ મોત થયું. સમગ્ર ઘટનાની જાણ થતાં યુવકની વૃદ્ધ દાદીનું આઘાત લાગતા મૃત્યુ થયું. આમ એક પછી એક એમ ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા.
બારડોલીના કડોદના દેસાઈ ફળિયામાં રહેતો 28 વર્ષીય જયેશ રમેશ રાઠોડ ગેસ એજન્સીમાં કામ કરતો હતો. જયેશની બહેન પાયલના લગ્ન ગામના જ કિશન રાઠોડ સાથે થયા હતા. તેમને પાંચ વર્ષની દીકરી અને અઢી વર્ષનો દીકરો છે. કિશનને દારૂ પીવાની ખોટી લત હોવાથી પાયલને તે ખૂબ ત્રાસ આપતો. તેથી તેણે છૂટાછેડા લઇ લીધા.
આ દરમિયાન જ્યારે દીકરો પાંચ વર્ષનો થાય ત્યારે તેણે પિતાને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે મંગળવારની રાત્રે કિશનને તેના દીકરાને લઈ જવાની વાત કરી ત્યારે જયેશે પછી લઈ જવા કહ્યું. જેના કારણે કિશને જયેશને ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો.
આ ઘટના દરમ્યાન કિશનનો મિત્ર પ્રવીણ પણ તેમની સાથે હતો. જયેશને મોતને ઘાટ ઉતાર્યા બાદ તે બંને ભાગી ગયા હતા. જયેશના નાનાભાઈ સતીશ રાઠોડે બનેવી કિશન રાઠોડ અને પ્રવીણ ઉર્ફે મંગો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક જયેશનો મિત્ર ધર્મેશ રાઠોડ જે તાડફળિયામાં રહેતી જયેશને બીજી બહેનને જાણ કરવા જઈ રહ્યો હતો. ત્યારે તેને બાઈક પર ખેંચ આવતા તેનું મોત નીપજ્યું હતું. બંને મિત્રોએ એક જ દિવસે મોતની ચાદર ઓઢી. ધર્મેશના મૃતદેહને જોતા જ તેમની વૃદ્ધ દાદીને આઘાત લાગતા હુમલો આવવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. આમ એક પછી એક એમ ત્રણના મોતની ઘટના બની હતી.