અંધશ્રદ્ધાને કારણે સુરતના સાસુ વહુ લૂંટાઈ ગયા, નકલી કિન્નર ઘરે આવીને દોઢ લાખ રૂપિયા અને ઘરેણાં લઇ ગયો

Gujarat

લંબે હનુમાન રોડ ખાતે આવેલી પ્રભુદર્શન સોસાયટીમાં પ્રકાશભાઈ ઝવેરભાઈ પરિવાર સાથે રહે છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. રવિવારે સવારે તેમનાં પત્ની વિલાસબેન અને પુત્રવધૂ રિતિકાબેન ઘરે હતાં. બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દીવાના તેલ માટે રૂપિયા માગ્યા બાદ બિલ્ડરની પત્ની અને પુત્રવધૂને કેફી દ્રવ્યનું પાણી પીવડાવી બેહોશ કરી નાખ્યાં હતાં.

ત્યાર બાદ ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 142100 રૂપિયા ચોરી કરીને નાસી ગયો હતો. નકલી કિન્નર અને એની ટોળકીને ડીસીબીએ રોડ પર લાગેલા CCTV કેમેરાની મદદથી સ્ટેશન પાસેની એક હોટલ બહારથી દબોચી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. શ્રદ્ધાના નામે ઘરમાં ઘૂસી નકલી કિન્નર ટોળકી પકડાતાં જ અનેક કેસ ઉકેલાય એવી શક્યતાઓ દેખાય રહી છે.

રવિવારના રોજ બિલ્ડર કામકાજને કારણે બહાર ગયા હતા. એ દરમિયાન ઘરમાં તેમનાં પત્ની અને વહુ તેમજ અઢી વર્ષનો દીકરો જ હતાં. એ સમયે એક નકલી કિન્નર ઘરમાં ઘૂસી ગયો હતો. તરસ લાગી છે પાણી પીવડાવો ભગવાન તમારું સારું કરશે એમ કહી સાસુ-વહુને શ્રદ્ધાની ઝપેટમાં લીધાં હતાં. ત્યાર બાદ ચોખા અને પાણી માગી બન્ને મહિલાઓને વશમાં કરી બેભાન કરી દીધાં હતાં.

સાસુ-વહુ બેભાન થતા જ કિન્નર ઘરના કબાટમાંથી દાગીના અને રોકડ દોઢ લાખની ચોરી કરી ભાગી ગયો હતો. 15 મિનિટ બાદ ભાનમાં આવેલી બન્ને મહિલાઓને કંઈક ખરાબ થયું હોવાનો ભાસ થતા તેણે પ્રકાશભાઈને ફોન કરી આ વિશેની જાણ કરી. પ્રકાશભાઈએ આવીને જોયું તો કીમતી સામાન ગાયબ હતો.

તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં વરાછા પોલીસ, ડીસીબી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. તપાસ કરતા કિન્નર હોવાનું સામે આવ્યું હતું. સોસાયટી બહાર પાર્ક રિક્ષાના નંબરના આધારે રોડ પર લાગેલા CCTV ચેક કરી લૂંટારું ટોળકી સુધી ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા. સોસાયટી બહાર ઓટોરિક્ષા પાર્ક કરી આ કિન્નર પહેલાં બાજુની સોસાયટીમાં ગયો હતો.

જોકે રવિવારને લઈ તમામ બંગલાઓમાં પુરુષો હોવાથી 50 કે100 રૂપિયા લઈ નીકળી ગયો હતો. ત્યાર બાદ પ્રભુદર્શન સોસાયટીમાં પણ 7 બંગલામાં ફર્યો હતો. પ્રકાશભાઈના બંગલામાં મહિલાઓ એકલી હોવાનું જાણાતાં જ લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં પણ વશમા કરીને લૂંટ કરી હોવાનું કહી શકાય.

કિન્નરના કહ્યા મુજબ વિલાસબેન અને રિતિકાબેન આ પાણી પી ગયા હતા. કિન્નરે એ પાણીમાં ઘેનવાળો પદાર્થ મિક્સ કરેલો હોવાથી સાસુ અને પુત્રવધૂ બંને બેહોશ થઈ ગયાં હતાં. થોડા સમયમાં હોશમાં આવતાં ઘરમાં સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો. કિન્નર બંનેને બેહોશ કરીને ઘરમાંથી સોનાનાં ઘરેણાં અને રોકડા રૂ. 2100 મળીને કુલ રૂ. 142100ની ચોરી કરીને નાસી ગયો હતો.

સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કિન્નર કેદ થઈ ગયો હતો. સુરત રેલવે સ્ટેશન પાસેની ફૂડ કોટ હોટલ બહારથી પોલીસે ત્રણને પકડી પાડી મુદ્દામાલ પણ કબજે લીધો છે. પ્રકાશભાઈ જણાવે છે કે DCB અને વરાછા પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ અમને અમારી કીમતી વસ્તુઓ પાછી મળી છે.

Leave a Reply

Your email address will not be published.