રશિયાએ યુક્રેન પર અચાનકથી હુમલો કરી દેતા હાહાકાર મચી ગયો છે. આ ભયકંર ઘટનાથી તો એવું લાગી રહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ થઇ શકે છે. યુક્રેનમાં લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ વિડીયો કોલ મારફતે આપવીતી જણાવી રહ્યા છે.
અભ્યાસ કરવા માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ યુદ્ધ થતા યુક્રેનમાં જ ફસાઈ ગયા છે. તેઓ પોતાના વતન પરત ફરવા માટે તડપી રહ્યા છે. તેઓ જણાવે છે કે અહીં બોમ્બના ધડાકા સંભળાઈ રહ્યા છે. રાત્રે સેનાના હેલીકૉપટર તો નીકળે છે પણ અંધારામાં કોનું હેલીકૉપટર છે તે ખબર નથી પડતી. બધા ખુબજ ડરી રહ્યા છે.
યુક્રેનમાં ફસાયેલા રાજકોટના વિદ્યાર્થીઓ જણાવે છે કે અમે અહીં 24 કલાક કઈ રીતે પસાર કર્યા એ અમારું મન જાણે છે. જમવાના પણ ઠેકાણા નથી. બિસ્કિટ અને વેફર ખાઈને પેટ ભર્યા છે. રહેવા માટે માત્ર એક જ બંકર છે. અમે એકબીજાના માથે સૂઈને રાત પસાર કરી છે. અહીં ખુબજ તકલીફ થઇ રહી છે.
રશિયાએ યુક્રેન પર યુદ્ધ કર્યા બાદ અન્ય દેશોમાં ગયેલા ભારતીયો પણ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ વિડીયો કોલ મારફતે આપવીતી જણાવી રહ્યા છે. ગુજરાતના રાજકોટ, ગોંડલ, વડોદરા તેમજ અલગ અલગ શહેરોમાંથી વિધાર્થીઓ અભ્યાસ કરવા માટે ગયા હતા. ત્યારે આવી ભયંકર સ્થિતિ સર્જાતા વતન પરત ફરવા માટે ભારતીય એમ્બેસીની બહાર લાંબી લાઈનો લાગી છે.
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ જણાવે છે કે રશિયાએ એરપોર્ટ પર પણ કબ્જો કરી લીધો છે. જેથી પરત ફરી શકાય તેમ નથી. ફ્લાઇટો બંધ હોવાને કારણે લોકો ફસાઈ ગયા છે. મોલમાં પણ સામાનની ખરીદી માટે પડાપડી થઇ રહી છે. તમામ લોકો પાસે ત્રણ દિવસના ભોજનની વ્યવસ્થા છે.
બિસ્કિટ અને પાણીથી પેટ ભરી રહ્યા છીએ. અહીં સતત બોમ્બના ધડાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે. અચાનકથી યુદ્ધ છેડાતાં અહીં ફસાઈ ગયા છીએ. અત્યારે તમામ ફ્લાઇટો બંધ છે જેથી પરત આવી શકાય તેમ નથી. હાલ અમે જલ્દીથી સ્થળાંતરણ થાય તે માટે મદદ માંગી રહ્યા છીએ.