રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાતાં કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સુરત, અમદાવાદ, વડોદરા સહીત રાજ્ય ભરમાંથી યુક્રેન અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓ પરત ફરતા પરિવારના હૈયાને ઠંડક મળી.
યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાત વાહન વ્યવહારની વોલ્વો બસ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બસના ડ્રાઇવરે જણાવ્યું કે જયારે હું વિદ્યાર્થીઓને લઈને નીકળ્યો ત્યારે તેઓ પરિવારને મળવા માટે ખુબ ઉત્સુક હતા. અમદાવાદ પહોંચ્યા બાદ તેમના માતાપિતાને તેઓ ભેટી પડ્યા હતા. આ દિવસ મને જિંદગીભર યાદ રહેશે.
ગુજરાતીઓને યુક્રેનથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી સીધા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કલેકટર સંદીપ સાગલ, મેયર કિરીટ પરમાર અને ભાજપના પ્રમુખ અમિત શાહ પણ ત્યાં હાજર રહ્યા હતા. યુક્રેનથી હેમખેમ આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના માતા પિતા પણ તેમના બાળકોને લેવા માટે આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓએ ગાડીમાંથી ઉતરીને માતા પિતાને ભેટીને રડી પડ્યા હતા. યુદ્ધ જેવી ભયંકર સ્થિતિમાંથી હેમખેમ પરત આવેલા પોતાના બાળકોને જોઈને વાલીઓ પણ ભાવુક થઇ ગયા હતા. આઠ દિવસ દિવસથી પોતાના બાળકોની રાહ જોતા વાલીઓની આંખમાં અશ્રુધારા જોવા મળી હતી.
વિદ્યાર્થીઓ યુદ્ધની ભયંકર સ્થિતિમાંથી પોતાના જીવન જોખમે બચીને આવ્યા. ત્યારે વાલીઓ ભગવાનનો આભાર માનતા હોય તે રીતે સાંત્વના આપતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ માતા પિતાને ભેટીને ત્યાંની ભયંકર સ્થિતિનું વર્ણન કરી રહ્યા હતા. તેઓ પોતાના વતન પરત ફરતા ખુબ જ ખુશ થયા.