રશિયા યુક્રેન યુદ્ધના સતત છઠ્ઠા દિવસે પણ હિંસક પ્રવૃતિઓ ચાલી રહી છે. રશિયા યુક્રેન પર મિસાઈલથી વાર કરી રહ્યું છે અને તોપના ગોળા વરસાવી રહ્યું છે. સતત છઠ્ઠા દિવસે પણ રશિયા દ્વારા હુમલાઓ ચાલુ રહેતા યુક્રેનની પરિસ્થિતિ વણસતી જાય છે. ત્યારે આ યુદ્ધમાં ભારતના દીકરાએ જીવ ગુમાવ્યો છે.
વિદેશ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, અમે જણાવી રહ્યા છીએ કે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો એ ખૂબ જ દુખદ છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે.
રશિયા યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન છે. તે કર્ણાટકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ભારતીય છોકરો ખાવાનું ખૂટી જતા બહાર લેવા માટે ગયો હતો. આ દરમિયાન હુમલો થતા મોતને ભેટી ગયો. આ યુદ્ધને કારણે કેટલાંક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. તેઓ પોતાના વતન પરત આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એક ભારતીયે જીવ ગુમાવ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા આજે રાત્રે યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. કિવને રશિયાના સૈનિકોએ ઘેરી લીધું છે તેથી ભારતીય દૂતાવાસે પણ પોતાના તમામ નાગરિકોને ચેતવણી આપતાં તાત્કાલિક કિવને છોડી દેવા માટે જણાવ્યું છે. આ તરફ કિવે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે લોકો બહાર નીકળી જાય. નહીતર આગળની સ્થિતિ માટે યુક્રેન જવાબદાર નહી હોય.
રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેનની ખુબ ગંભીર હાલત છે. ત્યારે બીજી તરફ રશિયા અટકવાનું નામ નથી લેતું. ઉપરાંત રશિયાએ વિશ્વના તમામ દેશોને ચેતવણી આપી છે કે જો રશિયા વિરુદ્ધ લશ્કરી સાધનોનો ઉપયોગ કરવામાં આવશે તો ભંયકર પરિણામ આવશે. રશિયાએ યુક્રેનના કેટલાક શહેરોને ઘેરી લીધાં છે. જેથી કોઈ અંદર પ્રવેશી નથી શકતું કે નથી કોઈ બહાર આવી શકતુ.