ભારતની દીકરી યુક્રેનમાં રહીને કરી રહી છે આ ઉમદા કાર્ય, કહ્યું મારે ઘરે નથી આવવું જીવું કે મરુ પણ યુક્રેનનો સાથ નહિ છોડું

World

યુક્રેનમાં રશિયન સેનાની ક્રૂર કાર્યવાહીથી માનવતા પર મોટું સંકટ ઊભું થયું છે. આ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ પણ આમાં ફસાયા છે જેઓ તેમના ઘરે પરત ફરવા માંગે છે. ભારત સરકાર આ વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સતત અભિયાન ચલાવી રહી છે. પરંતુ તેમની વચ્ચે એક ભારતીય વિદ્યાર્થીની છે જેણે ભય અને જીવના જોખમ વચ્ચે પણ માનવતાનો સાથ નથી છોડ્યો.

યુદ્ધમાં ફસાયેલી હરિયાણાની એક મેડિકલ સ્ટુડન્ટે અન્ય વિદ્યાર્થીઓની જેમ ઘરે પરત ફરવાની તક મળી હોવા છતાં યુક્રેન છોડવાનો ઇનકાર કર્યો હતો. ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં એક મકાનમાં ભાડેથી રહે છે. તેના મકાનમાલિકે પોતાના દેશની રક્ષા માટે શસ્ત્રો ઉપાડીને યુક્રેનિયન સૈન્ય સાથે દળોમાં જોડાવાનું નક્કી કર્યું છે.

પરંતુ તેઓ તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકોનો પરિવાર છોડીને ગયા છે. હવે ભારતની આ દીકરીએ તેના મકાનમાલિકના પરિવારની દેખરેખની જવાબદારી ઉપાડી લીધી છે. હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના એક શિક્ષકે જણાવ્યું કે ભારતની મેડિકલ સ્ટુડન્ટ નેહાએ તેની માતાને કહ્યું કે હું જીવું કે મારી જાવ પરંતુ હું આ બાળકો અને તેમની માતાને આ સ્થિતિમાં એકલા નહીં છોડું.

નેહાના પિતા ભારતીય સેનામાં હતા. તેણે બે વર્ષ પહેલા તેના પિતાને ગુમાવ્યા હતા. ગયા વર્ષે નેહાને યુક્રેનમાં મેડિકલના અભ્યાસ માટે મોકલવામાં આવી હતી. હાલ 17 વર્ષની નેહા તેના મકાનમાલિકની પત્ની અને ત્રણ બાળકો સાથે બંકરમાં છુપાયેલી છે. નેહાએ તેના મિત્ર સાથે વાત કરતા કહ્યું કે અમે સતત બહાર વિસ્ફોટનો અવાજ સાંભળી રહ્યા છીએ પરંતુ અત્યાર સુધી અમે ઠીક છીએ.

નેહા એમબીબીએસનો અભ્યાસ કરવા કિવ ગઈ હતી. હોસ્ટેલની સુવિધા ન હોવાને કારણે તેણે એન્જિનિયરના ઘરમાં એક રૂમ ભાડે રાખ્યો હતો. નેહાની માતાની મિત્ર સવિતા જાખરે કહ્યું કે નેહા મકાન માલિકના બાળકો સાથે ભળી ગઈ છે. દેશમાં વધી રહેલા તણાવને જોતા તેમને દેશ છોડવાની સલાહ આપવામાં આવી હતી.

નેહાની માતાએ તેને બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કર્યા. આખરે નેહાને યુક્રેનથી રોમાનિયા આવવાનો મોકો મળ્યો પરંતુ તેણે ના પાડી અને આવી તંગ પરિસ્થિતિમાં મકાન માલિકના પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે નેહાનો પરિવાર અને મિત્રો તેને પાછા આવવા માટે કહી રહ્યા છે પરંતુ તે સતત ના પાડી રહી છે.

સવિતાએ પોતાની ફેસબુક પોસ્ટમાં નેહાની વાત કહી છે. આ પોસ્ટને ખુબ શેર કરવામાં આવી રહી છે. ભારતીય દીકરી નેહાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયાને ચાર દિવસ થઈ ગયા છે. પરિસ્થિતિ વણસતી જાય છે. ત્યારે માનવતાને પ્રથમ સ્થાને રાખનાર આ દીકરી આખા ભારત માટે ગર્વ છે.

Leave a Reply

Your email address will not be published.